ઓનલાઇન બાળ યૌન શોષણ મામલામાં CBIની મોટી કાર્યવાહી, દેશભરમાં એક સાથે 77 સ્થળો પર પાડ્યા દરોડા
ઓનલાઇન બાળ જાતીય શોષણ મામલામાં સીબીઆઇએ ઐતિહાસિક કાર્યવાહી કરતા 83 આરોપીઓ વિરુદ્ધ 23 કેસ દાખલ કર્યા છે
CBI Raids: ઓનલાઇન બાળ જાતીય શોષણ મામલામાં સીબીઆઇએ ઐતિહાસિક કાર્યવાહી કરતા 83 આરોપીઓ વિરુદ્ધ 23 કેસ દાખલ કર્યા છે અને આજે દેશના 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક સાથે 77 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઇએ એક સાથે તમામ કેસ 14 નવેમ્બરના રોજ દાખલ કર્યા હતા. આ દરોડા દરમિયાન અનેક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કર્યા હતા. આ આરોપીઓના તાર 100 દેશો સાથે જોડાયેલા હોઇ શકે છે અને અત્યાર સુધીની તપાસમાં 50થી વધુ ગ્રુપની જાણકારી મળી છે. આવા મામલામાં સીબીઆઇના ઇતિહાસની સૌથી મોટી આ કાર્યવાહી છે.
સીબીઆઇએ આ મામલામાં અત્યાર સુધી કેટલાક શંકાસ્પદની અટકાયત કરી છે. સીબીઆઇ ટીમને ઓડિસામાં એક શંકાસ્પદના ઘર પર દરોડા દરમિયાન વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.
સીબીઆઇ પ્રવક્તા આર સી જોશીના મતે આ દરોડા દિલ્હી સિવાય ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, બિહાર, હરિયાણા, ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હિમાચલપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને છત્તીસગઢમાં પાડવામાં આવ્યા છે.
સીબીઆઇએ કહ્યું કે બાળકોના ઓનલાઇન જાતીય શોષણ મામલામાં જાણવા મળ્યું હતું કે દર વર્ષે ઘણા બાળકોને દુવ્યહારનો સામનો કરવો પડે છે અને ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની આ સ્થિતિ ભયાનક થઇ જાય છે. સીબીઆઇએ ચિત્રકૂટ મામલાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઓનલાઇન પ્લેટફોર્મના તાર વિદેશમાં બેઠેલો લોકો સાથે જોડાયા બાદ લાલચ વધી જાય છે. સાથે જ સ્થિતિ ધીરે ધીરે ખૂબ ગંભીર થઇ જાય છે. સીબીઆઇએ ચિત્રકૂટ બાળ જાતીય શોષણ કાંડમાં ઉત્તર પ્રદેશ જળ નિગમના એક એન્જિનિયરની ધરપકડ કરી હતી.
સીબીઆઇએ આ પ્રકારની કેસની તપાસ માટે એક વિશેષ યુનિટ પણ બનાવ્યું હતુ. સીબીઆઇને જાણકારી મળી કે આવા લગભગ 50થી વધુ ગ્રુપ છે જે 5000થી વધુ લોકો સાથે જોડાયેલા છે અને આ ગ્રુપના તાર લગભગ 100 દેશોના નાગરિકો સાથે જોડાયેલા છે જે કોઇના કોઇ રૂપમાં આ ગુનામાં સામેલ હોઇ શકે છે. આ મામલામાં અત્યાર સુધી 83 લોકો વિરુદ્ધ 23 અલગ અલગ કેસ દાખલ કરાયા છે ત્યારબાદ દેશભરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
સીબીઆઇ આ મામલામાં વિદેશી નાગરિકોની ધરપકડ અને તેમની આ કેસમાં સંડોવણીની તપાસ માટે ઇન્ટરપોલ મારફતે એ દેશો સાથે સંપર્ક કરી શકે છે.