Chandrayaan 3: ચંદ્રયાન-3નું શું થયું? ક્યાં પહોંચ્યું?, ISROએ આપી રજે રજની જાણકારી
14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવેલા ભારતના મહત્વકાંક્ષી અવકાશી મિશન ચંદ્રયાન-3 વિષે જાણકારી મેળવવામાં દેશવાસીઓને ખુબ જ રસ છે.
Chandrayaan 3 Mission Update: 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવેલા ભારતના મહત્વકાંક્ષી અવકાશી મિશન ચંદ્રયાન-3 વિષે જાણકારી મેળવવામાં દેશવાસીઓને ખુબ જ રસ છે. તેથી ચંદ્રયાન-3નું શું થયું? તે આખરે ક્યાં પહોંચ્યું? તેની જાણકારી મેળવવા ભારે ઉત્સુક છે. ઈસરોએ આજે યાનને લઈને માહિતી આપી છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો જણાવ્યા પ્રમાણે ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે અને તે સારી સ્થિતિમાં છે. ઈસરોનાએ આજે મંગળવારે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળીને ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે.
ઈસરોએ વધુ જાણકારી આપતા કહ્યું હતું કે, આજના પેરીજી બર્નથી ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. આ ભ્રમણકક્ષામાં અવકાશયાન ચંદ્રના પ્રભાવના ક્ષેત્રમાં પ્રવેશે છે. પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ અવકાશયાનને આગળ વધવાની પ્રક્રિયા મંગળવારે સવારે હાથ ધરવામાં આવી હતી.
ચંદ્રયાન-3નું આગળનું પગલું શું હશે?
ઈસરોએ જણાવ્યું હતું કે, આ કારણે ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે અને ટ્રાન્સલુનર ઓર્બિટમાં ગયું અને ચંદ્રની ભ્રમણકક્ષા તરફ આગળ વધવા લાગ્યું છે. હવે ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં લગભગ પાંચ દિવસ લાગશે. સ્પેસ એજન્સીએ કહ્યું હતું કે, ચંદ્રયાન-3ને ચંદ્રની નજીક લઈ જવાની પ્રક્રિયા ઈસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કમાં હાથ ધરવામાં આવી હતી.
ઈસરોએ ચંદ્રયાનને ટ્રાન્સલ્યુનર ઓર્બિટમાં દાખલ કરાવ્યું. સ્પેસ એજન્સીએ કહ્યું હતું કે, ચંદ્રયાન-3 પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરી ચૂક્યું છે અને હવે તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આગળનું પગલું ચંદ્ર છે. 5 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રની નજીકના પહોંચવાની વચ્ચે લુનર-ઓર્બિટ ઇન્સર્શન (ચંદ્ર-ભ્રમણકક્ષા નિવેશ)ની પ્રક્રિયા હાથ ધરવાની યોજના છે.
ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ ક્યારે થશે?
ISROના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મંગળવારે ટ્રાન્સલ્યુનર-ઇન્જેક્શન (TLI) પછી ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે અને હવે તે એવા માર્ગ પર છે જે તેને ચંદ્રની નજીક લઈ જશે. ઈસરોએ કહ્યું છે કે, તે 23 ઓગસ્ટે ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવવાનો પ્રયાસ કરશે.
14 જુલાઈના રોજ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું
અગાઉ, ચંદ્રયાન-3ને 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યા બાદ તેને ભ્રમણકક્ષામાં લાવવાની પ્રક્રિયા પાંચ વખત સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં ચંદ્રયાન-2 મિશનનું લેન્ડર ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું.