Chinese App Ban: મોદી સરકારની ચીન પર ડિજીટલ સ્ટ્રાઈક, વધુ 230 ચાઈનીઝ એપ-લીંક પર પ્રતિબંધ
મોદી સરકાર દ્વારા લગભગ 230 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. તેમાં 138 જુગારની લિંક્સ છે. જ્યારે 94 લોન એપ્સ સામેલ છે.
Chinese App Ban: એક તરફ અમેરિકાએ ચીનના ગુબ્બારાને તોડી પાડતા તણાવ સર્જાયો છે ત્યારે બીજી તરફ ભારત સરકારે પણ ડ્રેગનને કમ્મરતોડ ઝાટકો આપ્યો છે. ભારતે ફરી એકવાર આકરૂ વલણ અપનાવતા અવળચંડા ચીનને બરાબરનો પાઠ ભણાવતા 230 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુકી દીધો છે. પ્રતિબંધિત કરવામાં આવેલી આ એપમાં મોટા ભાગનીમાં ભારતમાં ગેરકાયદે લોન અને જુગારનો ધંધો ચાલતો હતો. જેના પર ભારત સરકારે ડિજિટલ સ્ટ્રાઇક કરી છે.
મોદી સરકાર દ્વારા લગભગ 230 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. તેમાં 138 જુગારની લિંક્સ છે. જ્યારે 94 લોન એપ્સ સામેલ છે. આ તમામ ચાઈનીઝ એપ્સ અને લિંકને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવાની સૂચના આપવામાં આવી છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY)વતી ગૃહ મંત્રાલયને ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જેને ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.
રિપોર્ટ અનુસાર, સરકારે લગભગ 6 મહિના પહેલા 288 ચાઈનીઝ એપ્સની તપાસ કરી હતી. જાણવા મળતા અહેવાલ પ્રમાણે આ એપ ભારતીય નાગરિકોના અંગત ડેટાની ચોરી કરી રહી હતી. જેને ધ્યાનમાં રાખી મોદી સરકારે આકરા પગલા ભર્યા હતાં. સરકારે IT એક્ટની કલમ 69 હેઠળ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે જે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને નુકસાન પહોંચાડી રહી છે.
ચીન ચાઈનીઝ એપ્સ દ્વારા ભારતીયોને દેવાની જાળમાં ફસાવતુ હતું. ચીની એપ્સ ભારતીયોને સસ્તી લોન આપી રહી હતી. તેઓ લોનની વસુલાતના નામે બળજબરી પૂર્વક વસુલી અને હેરાનગતિ કરતા હતા. રિપોર્ટ્સ અનુસાર, આ એપ્સ ચીની નાગરિકોના મગજની ઉપજ છે, જેમણે ભારતીયોને નોકરીએ રાખ્યા અને ત્યાર બાદ તેમને આ એપ્સ ચલાવવાની જવાબદારી આપી. રિપોર્ટ અનુસાર, ચીની એપ્સ મુશ્કેલીમાં ફસાયેલા લોકોને લોન લેવા માટે લલચાવતી હતી અને પછી વાર્ષિક 3,000 ટકા સુધીનું વ્યાજ વસૂલતી હતી.
આ મામલો એવા સમયે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઘણા લોકોએ દેવું વસૂલવાના કારણે આત્મહત્યા કરી હતી. આ તમામ મૃતકોએ સટ્ટાબાજીની એપથી લોન લીધી હતી.
આ અગાઉ પણ સરહદે ચીને અવળચંડાઈ કરતા ભારત સરકારે પબજી સહિતની અનેક ચાઈનીઝ એપને બંધ કરી આકરો સંદેશ આપ્યો હતો. સરહદે ડોકલામની ઘટના બાદ મોદી સરકાર દ્બારા ચીન વિરૂદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી.