મહારાષ્ટ્રમાં 39 બેઠકોને લઈ INDIA ગઠબંધનમાં ડીલ નક્કી, 9 સીટ પર ફસાયો છે પેચ
યુપીમાં સપા સાથે કોંગ્રેસની ડીલ થઈ હતી, કોંગ્રેસે દિલ્હી, ગુજરાત, હરિયાણા, ગોવા અને ચંદીગઢમાં AAP સાથે બેઠકોની ડીલ કરી હતી.
મુંબઈ: લોકસભા ચૂંટણી માટે રચાયેલા વિપક્ષી પક્ષોના ઈન્ડિયા ગઠબંધનમાં સીટ વહેંચણીનો મુદ્દો ધીમે ધીમે ઉકેલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. યુપીમાં સપા સાથે કોંગ્રેસની ડીલ થઈ હતી, કોંગ્રેસે દિલ્હી, ગુજરાત, હરિયાણા, ગોવા અને ચંદીગઢમાં AAP સાથે બેઠકોની ડીલ કરી હતી. પશ્ચિમ બંગાળમાં વાતચીત ચાલી રહી છે. હવે મહારાષ્ટ્રમાં પણ, કોંગ્રેસ મહા વિકાસ અઘાડીના સાથી પક્ષો NCP શરદ પવાર અને શિવસેના (UBT) સાથે બેઠક વહેંચણી કરારને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં 48માંથી 39 સીટો પર શિવસેના (UBT), કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટી વચ્ચે સમજૂતી થઈ છે. જ્યારે 9 બેઠકો પર હજુ સુધી વાતચીત થઈ શકી નથી.
વાસ્તવમાં, પ્રકાશ આંબેડકર 5 સીટોની માંગ કરી રહ્યા છે, જ્યારે મહાવિકાસ અઘાડી ગઠબંધન તેમને માત્ર ત્રણ સીટો આપવા માંગે છે. કોંગ્રેસના સૂત્રના જણાવ્યા અનુસાર એનસીપી, કોંગ્રેસ અને શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે કોઈ મૂંઝવણ નથી. પ્રકાશ આંબેડકરની પાર્ટીએ 2019ની ચૂંટણીમાં 47 સીટો પર ચૂંટણી લડી હતી, પરંતુ એકપણ સીટ જીતી શકી ન હતી. VBA એ 2019ની વિધાનસભા ચૂંટણીમાં પણ 236 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેનું ખાતું પણ ખોલી શક્યું ન હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં ઈન્ડિયા ગઠબંધન સાથી પક્ષો વચ્ચે 9 બેઠકો પર મતભેદ છે, જેમાં મુંબઈ, દક્ષિણ મધ્ય અને ઉત્તર પશ્ચિમની બે બેઠકોનો સમાવેશ થાય છે. શિવસેના (UBT) અને કોંગ્રેસ બંને અહીંથી પોતાના ઉમેદવારો ઉભા કરવા માંગે છે. સૂત્રોએ જણાવ્યું કે વંચિત બહુજન આઘાડીના વડા પ્રકાશ આંબેડકરની માંગણીઓ પણ વિલંબમાં પડી રહી છે. તેમણે પાંચ બેઠકો માંગી છે.
સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ મુંબઈમાં લોકસભાની 6માંથી 3 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. જેમાં મુંબઈ દક્ષિણ મધ્ય, મુંબઈ ઉત્તર મધ્ય અને મુંબઈ ઉત્તર પશ્ચિમનો સમાવેશ થાય છે. જો કે, ઉદ્ધવ ઠાકરે કુલ 18 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે, જેમાંથી 4 મુંબઈની છે. તેમાં મુંબઈ દક્ષિણ, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર પૂર્વ અને મુંબઈ દક્ષિણ મધ્યનો સમાવેશ થાય છે.
2019ની લોકસભા ચૂંટણીમાં અવિભાજિત શિવસેનાએ 48માંથી 22 બેઠકો પર ચૂંટણી લડી હતી. આમાંથી 18 જીત્યા, જેમાં મુંબઈની ત્રણ સીટોનો સમાવેશ થાય છે.
2019માં લોકસભા ચૂંટણીની સાથે મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટો પર પણ મતદાન થયું હતું. ત્યારે શિવસેના અને ભાજપ ગઠબંધનમાં હતા. ભાજપ 106 ધારાસભ્યો સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની. શિવસેનાએ 56 બેઠકો જીતી હતી. આ પછી શિવસેનાએ અઢી વર્ષ સુધી સીએમની ફોર્મ્યુલા અજમાવી, પરંતુ ભાજપ રાજી ન થયું.
કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર પ્રદેશની 80માંથી 17 બેઠકો માટે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથે પહેલેથી જ ડીલ નક્કિ કરી લીધી છે. જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે દિલ્હીની 7માંથી 3 સીટો માટે સમજૂતી કરવામાં આવી છે.