Loksabha Election 2024: કૉંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, રાજ બબ્બરને આ બેઠક પરથી ટિકીટ
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસે મંગળવારે (30 એપ્રિલ) ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. ઉમેદવારોની આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે.
Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસે મંગળવારે (30 એપ્રિલ) ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. ઉમેદવારોની આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે. કૉંગ્રેસે આ યાદીમાં ત્રણ રાજ્યોની ચાર બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે.
કૉંગ્રેસે હરિયાણાના ગુરુગ્રામથી અભિનેતામાંથી રાજનેતા બનેલા રાજ બબ્બરને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે હિમાચલ પ્રદેશની કાંગડા સીટ પર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્મા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Congress releases another list of candidates for the upcoming #LokSabhaElections2024
— ANI (@ANI) April 30, 2024
Raj Babbar to contest from Gurgaon (Haryana)
Anand Sharma from Kangra (Himachal Pradesh) pic.twitter.com/yLHH2kWgk5
કૉંગ્રેસે કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અનુરાગ ઠાકુર સામે હમીરપુર લોકસભા સીટથી સતપાલ રાયજાદાને ટિકિટ આપી છે. ભૂષણ પાટીલને મહારાષ્ટ્રની ઉત્તર મુંબઈ બેઠક માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
હરિયાણાની ગુરુગ્રામ સીટ પર છઠ્ઠા તબક્કામાં એટલે કે 25મી મેના રોજ ચૂંટણી યોજાશે. આ સિવાય હિમાચલની કાંગડા અને હમીરપુર સીટ પર સાતમા તબક્કામાં એટલે કે 1 જૂને મતદાન થશે. મહારાષ્ટ્રની ઉત્તર મુંબઈ સીટ પર પાંચમા તબક્કામાં એટલે કે 20 મેના રોજ મતદાન થશે.
યુપી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે છેલ્લી બે લોકસભા ચૂંટણી યુપીની ફતેહપુર સીકરી બેઠક પરથી લડી હતી. બંને વખત તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જો આનંદ શર્માની વાત કરીએ તો તેઓ કોંગ્રેસના નેતૃત્વ સામે અવાજ ઉઠાવનાર નેતાઓમાં એક છે.
કોંગ્રેસના આ બળવાખોર નેતાઓને G-23 જૂથ કહેવામાં આવતું હતું. જો કે, આ બળવો થોડા મહિનામાં જ સમાપ્ત થઈ ગયો, પરંતુ ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલ જેવા નેતાઓએ કોંગ્રેસ છોડીને એક અલગ રસ્તો અપનાવ્યો હતો.
અમેઠી અને રાયબરેલી પર સસ્પેન્સ યથાવત
આ યાદી સાથે, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે કૉંગ્રેસ પાર્ટી યુપીની અમેઠી અને રાયબરેલી બેઠકો પર પણ ઉમેદવારો જાહેર કરી શકે છે. પરંતુ આ યાદીમાં માત્ર ચાર જ નામની જાહેરાત કરવામાં આવી છે. અમેઠી અને રાયબરેલી પર સસ્પેન્સ યથાવત છે. આ બેઠકો પર સ્થાનિક નેતાઓ વિરોધ કરી રહ્યા છે અને રાહુલ અને પ્રિયંકાને મેદાનમાં ઉતારવાની ચર્ચા ચાલી રહી છે.