Congress Twitter Locked: રાહુલ ગાંધીએ શું કરી ગંભીર ભૂલ કે ટ્વિટરે કોંગ્રેસનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ કરી દીધું બ્લોક ?
ચાર દિવસ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાતાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હી: ટ્વિટર ઇન્ડિયાએ હવે કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને પણ લોક કરી દીધું છે. આ દાવો ખુદ કોંગ્રેસ પાર્ટીએ કર્યો છે. કંપનીએ કહ્યું છે કે કોંગ્રેસે ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તેથી તેમના ખાતાને કામચલાઉ ધોરણે બ્લોક કરવામાં આવી રહ્યું છે. અગાઉ ઘણા કોંગ્રેસી નેતાઓના ખાતા પર કાર્યવાહી કરવામાં આવી હતી અને ચાર દિવસ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાતાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ હજુ પણ સસ્પેન્ડ છે.
કોંગ્રેસે બુધવારે મોડી રાત્રે દાવો કર્યો હતો કે રણદીપ સુરજેવાલા સહિત પાંચ વરિષ્ઠ નેતાઓના ખાતા સામે આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) ના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન, લોકસભામાં પાર્ટી વ્હીપ મણિકમ ટાગોર, આસામના પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવના ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, દિલ્હીમાં નાંગલ વિસ્તારમાં નવ વર્ષની દલિત બાળકી પર બળાત્કાર બાદ હત્યાનો મુદ્દો ગાજી રહ્યો હતો ત્યારે રાહુલ ગાંધીએ આ છોકરીની ઓળખ છતી કરી દીધી હોવાનો આક્ષેપ થયો હતો. રાહુલ પીડિતા છોકરીના પરિવારને મળવા ગયા પછી તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર છોકરીનાં માતા-પિતા સાથેની પોતાની તસવીર મૂકી હતી. તેના કારણે છોકરીની ઓળખ છતી થઈ ગઈ હોવાનો દાવો કરીને એક વકીલે દિલ્હી પોલીસને રાહુલ સામે એફઆઈઆર નોંધવા અરજી આપી હતી.
આ મામલામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા સંરક્ષણ પંચે ટ્વિટરને ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ વિરુદ્ધ કાર્યવાહી કરે. પંચે રાહુલ ગાંધીના ટ્વીટ પર કાર્યવાહી કરવાની માગણી સાથે ટ્વિટરને લખેલા પત્રમાં કહ્યું હતું કે, કોઈ પણ સગીર પીડિતાના પરિવારની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરવી કિશોર ન્યાય કાયદા, 2015ની કલમ 74 અને બાળ યૌન અપરાધ નિવારણ કાયદો (પોક્સો) ની કલમ 23નું ઉલ્લંઘન છે. આ ફરિયાદના પગલે ટ્વિટરે રાહુલ ગાંધીના એ વિવાદિત ટ્વીટને હટાવી દીધું હતું.
રાહુલ ગાંધીએ લખ્યુ હતુ કે, માતા-પિતાના આંસુ માત્ર એક વાત કહી રહ્યા છે કે તેમની પુત્રી, દેશની પુત્રી ન્યાયની હકદાર છે અને ન્યાય માટે આ લડતમાં હું તેમની સાથે છું.