Congress અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુંઃ "દેશને તાનાશાહીની ભેટ ના ચડાવી શકાય"
કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે (19 ઓક્ટોબર) એક પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.
Mallikarjun Kharge Press Conference: કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે (19 ઓક્ટોબર) એક પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. આ સાથે જ તેમણે કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી શશિ થરૂરને અભિનંદન પાઠવ્યા હતા. ખડગેએ કહ્યું કે, હું મારા સાથી શશિ થરૂરને અભિનંદન આપવા માંગુ છું. હું થરુરને મળ્યો અને પક્ષને કેવી રીતે આગળ લઈ જવો તેની ચર્ચા કરી છે.
મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે, હું પાર્ટીના તમામ કાર્યકરો વતી સોનિયા ગાંધીનો આભાર માનું છું. તેમના નેતૃત્વમાં અમે કેન્દ્રમાં બે વખત અમારી સરકાર બનાવી. આઝાદીના 75 વર્ષમાં કોંગ્રેસે આ દેશની લોકશાહીને મજબૂત કરી છે અને બંધારણનું રક્ષણ કર્યું છે. આજે લોકશાહી ખતરામાં છે અને બંધારણ પર હુમલો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે પ્રમુખ પદ માટે આંતરિક ચૂંટણી કરીને લોકશાહીને મજબૂત બનાવી છે.
"ફાસીવાદી શક્તિઓ સામે લડશે"
તેમણે કહ્યું કે, આજે મોંઘવારીએ માજા મુકી છે. સરકાર દ્વારા દેશમાં નફરત ફેલાવવામાં આવી રહી છે. તેની સામે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. દેશ તેમના સંઘર્ષ સાથે છે. તેમણે મારી સાથે વાત કરીને મને અભિનંદન આપ્યા અને કહ્યું કે, હું કોંગ્રેસના સૈનિક તરીકે કામ કરતો રહીશ. ખડગેએ કહ્યું કે, કોંગ્રેસમાં બધા સમાન છે. આપણે બધાએ પાર્ટીના કાર્યકરોની જેમ કામ કરવાનું છે, પાર્ટીમાં કોઈ મોટું કે નાનું નથી. સાંપ્રદાયિકતાની આડમાં લોકતાંત્રિક સંસ્થાઓ પર હુમલો કરતી ફાસીવાદી શક્તિઓ સામે આપણે એક થઈને લડવું પડશે.
ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુંઃ
કેન્દ્ર પર પ્રહાર કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, દિલ્હીમાં સત્તા પર બેઠેલી સરકાર માત્ર મોટી મોટી વાતો કરે છે. હલકો ચણો વાગે ઘણો. દેશને તાનાશાહીની ભેટ ના ચડાવી શકાય. રોડથી લઈને સંસદ સુધી દરેકે લડવું પડશે. ગરીબ પરિવારમાં જન્મેલા કાર્યકરને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા બદલ હું પાર્ટીનો આભારી છું.
ખડગે 26 ઓક્ટોબરે ચાર્જ સંભાળશે
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીના પરિણામો બુધવારે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મલ્લિકાર્જુન ખડગેની ભારે સરસાઈથી જીત થઈ છે. ખડગેને 7897 વોટ મળ્યા, જ્યારે શશિ થરૂરને માત્ર 1072 વોટ મળ્યા. મલ્લિકાર્જુન ખડગે 26 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષનો ચાર્જ સંભાળશે.