Uttarakhand Election: કોગ્રેસે જાહેર કરી 53 ઉમેદવારોની પ્રથમ યાદી, CM ધામી સામે કોને આપી ટિકિટ?
ઉત્તરાખંડ ચૂંટણી માટે કોગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં પાર્ટી તરફથી 53 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે
નવી દિલ્હીઃ ઉત્તરાખંડ ચૂંટણી માટે કોગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં પાર્ટી તરફથી 53 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી વિરુદ્ધ ભુવન ચંદ્ર કાપડીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપમાંથી કોગ્રેસમાં આવેલા યશપાલ આર્યને બાજપુરથી ટિકિટ પર આપી છે.
યમુનોત્રીથી પાર્ટીએ દીપક બિજવાનને ઉમેદવાર બનાવ્યા છે તો પિથૌરાગઢથી મયૂખ મહરને ઉમેદવાર બનાવ્યા છે. રાયપુરની વાત કરીએ તો અહીથી હીરા સિંહ બિષ્ટને ટિકિટ આપવામાં આવી છે. કેદારનાથથી મનોજ રાવતને તક આપવામાં આવી છે. હાલમાં 15 બેઠકો એવી છે જેના પર નામ હજી સુધી નક્કી કરવામાં આવી નથી.
જે બેઠકો પર હજુ વિવાદ છે તેના પર બંન્ને હરીશ રાવત અને પ્રીતમ સિંહ પોતાના ઉમેદવાર ઉતારવા માંગે છે. આ કારણે તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. પ્રથમ યાદીમાં હરક સિંહ રાવત અને હરીશ રાવતનું નામ નથી.
પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ ગણેશ ગોદિયાલે કહ્યું કે તેમને આશા છે કે કોગ્રેસના તમામ ઉમેદવારો જીત હાંસલ કરશે. સરકાર બન્યા બાદ તમામને યોગ્ય સન્માન આપવામાં આવશે. ગણેશ ગોદિયાલ શ્રીનગર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. જ્યારે વિરોધ પક્ષના નેતા પ્રીતમ સિંહ ચકરાતા બેઠક પરથી ઉમેદવાર છે. ઉત્તરાખંડ ચૂંટણી માટે 14 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે