Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
જ્યોતિર્મઠના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ફરી ચર્ચામાં: માત્ર વેદોનું જ્ઞાન નહીં, પણ 'ઇન્દ્રિય વિજય' અને 'દંડ સન્યાસ' છે અનિવાર્ય; જાણો આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 4 મઠો અને પસંદગીના કડક નિયમો.

How to become Shankaracharya: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી (Swami Avimukteshwaranand) હાલમાં માઘ મેળા અને ગૌ-રક્ષા જેવા મુદ્દાઓને લઈને સતત ચર્ચામાં છે. ત્યારે સામાન્ય લોકોના મનમાં એક પ્રશ્ન વારંવાર ઉભો થાય છે કે સનાતન ધર્મ (Sanatan Dharma) માં સર્વોચ્ચ ગણાતું 'શંકરાચાર્ય' નું પદ આખરે કેવી રીતે મળે છે? શું કોઈ પણ સામાન્ય વ્યક્તિ આ પદ પર બિરાજમાન થઈ શકે છે? વાસ્તવમાં, આ પ્રક્રિયા કોઈ ચૂંટણી નથી, પરંતુ ત્યાગ, તપસ્યા અને જ્ઞાનની એક અત્યંત કઠિન કસોટી છે. શંકરાચાર્ય દેશના મુખ્ય 4 મઠોનું નેતૃત્વ કરે છે અને સંત સમાજમાં તેમનું સ્થાન સર્વોપરિ હોય છે.
શંકરાચાર્ય બનવા માટેની અનિવાર્ય લાયકાતો
શંકરાચાર્ય બનવા માટે માત્ર ઈચ્છા હોવી પૂરતી નથી, તેના માટે શાસ્ત્રોક્ત લાયકાતો હોવી અત્યંત આવશ્યક છે.
સન્યાસી જીવન: ઉમેદવાર બ્રાહ્મણ હોવો જોઈએ અને તેણે આજીવન બ્રહ્મચર્ય (Celibacy) નું પાલન કરેલું હોવું જોઈએ. ગૃહસ્થ જીવનનો સંપૂર્ણ ત્યાગ, મોહ-માયાથી મુક્તિ અને પોતાનું પિંડદાન (Pind Daan) કરીને દંડ સન્યાસ ધારણ કરેલો હોવો જોઈએ.
વેદોનું જ્ઞાન: ઉમેદવારને ચારેય વેદો (Vedas), વેદાંત, પુરાણો, ઉપનિષદો અને મહાકાવ્યોનું ઊંડું જ્ઞાન હોવું જોઈએ. સંસ્કૃત ભાષા પર તેમની અસાધારણ પકડ હોવી જરૂરી છે.
જિતેન્દ્રિય: સૌથી મહત્વની શરત એ છે કે વ્યક્તિ 'જિતેન્દ્રિય' હોવો જોઈએ, એટલે કે તેણે પોતાની તમામ ઇન્દ્રિયો પર વિજય મેળવેલો હોવો જોઈએ.
પસંદગી કોણ કરે છે?
આ પદ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી મનસ્વી રીતે થતી નથી. શંકરાચાર્યની નિમણૂક માટે કાશી વિદ્વત પરિષદ (Kashi Vidvat Parishad), વર્તમાન શંકરાચાર્યો, આચાર્ય મહામંડલેશ્વરો અને પ્રખ્યાત સંતોની સભા મળે છે. આ સભામાં ઉમેદવારના જ્ઞાન અને ચારિત્ર્યની કસોટી થયા બાદ જ મંજૂરીની મહોર મારવામાં આવે છે.
પરંપરાનો ઇતિહાસ અને 4 મઠો
આ પરંપરાની શરૂઆત હિન્દુ ધર્મના પુનરોદ્ધારક આદિ ગુરુ શંકરાચાર્ય (Adi Shankaracharya) દ્વારા કરવામાં આવી હતી. સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર અને રક્ષણ માટે તેમણે ભારતના ચાર ખૂણે 4 મઠો (Mathas) ની સ્થાપના કરી હતી:
પૂર્વ: ગોવર્ધન મઠ, પુરી (ઓડિશા)
પશ્ચિમ: શારદા મઠ, દ્વારકા (ગુજરાત)
ઉત્તર: જ્યોતિર્મઠ, બદ્રીનાથ (ઉત્તરાખંડ)
દક્ષિણ: શ્રૃંગેરી મઠ, રામેશ્વરમ (કર્ણાટક)
આ મઠો એવી સંસ્થાઓ છે જ્યાં ધર્મ, અધ્યાત્મ અને વેદોનું શિક્ષણ આપવામાં આવે છે. આમ, શંકરાચાર્ય બનવું એ સત્તા નહીં, પણ ત્યાગ અને ધર્મ રક્ષાની સૌથી મોટી જવાબદારી છે.




















