(Source: ECI/ABP News/ABP Majha)
આ રાજ્યમાં ફરી કોરોના વિસ્ફોટ થતાં 9 શહેરમાં નાઈટ કર્ફ્યુ તો 8 જિલ્લામાં કર્ફ્યુ, લોકડાઉનની જાહેરાત
તમામ સ્કૂલોને 21 માર્ચ સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.
દેશમાં કોરોનાથી સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. વધતા સંક્રમણને પગલે મહારાષ્ટ્રના 9 શહેરમાં નાઈટ કર્ફ્યૂ જ્યારે 8 જિલ્લામાં કર્ફ્યૂ, લોકડાઉન અને કડક પ્રતિબંધના આદેશ કરાયા છે. મહારાષ્ટ્રના 36 જિલ્લામાંથી 10 જિલ્લા ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.
બેકાબૂ સંક્રમણના કારણે પૂણેમાં આંશિક લોકડાઉનનું એલાન કરવામાં આવ્યુ છે. પુણેમાં મોલ, હોટલ, સિનેમા હોલને સવારે 10 વાગ્યા સુધી જ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તો સાથે જ લગ્ન અને અંતિમ સંસ્કારમાં પણ 50 લોકોની હાજરીને મંજૂરી આપવામાં આવી છે.
તો તમામ સ્કૂલોને 21 માર્ચ સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. અમરાવતી શહેરમાં સવારે 9 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાના આદેશ કરાયા છે. તો અહમદનગર જિલ્લામાં રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ અને સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની સૂચના આપવામાં આવી છે.
તો જલગાવમાં ત્રણ દિવસના સંપૂર્ણ લોકડાઉનનું એલાન કરવામાં આવ્યુ છે. તો પરભણી જિલ્લામાં 15 માર્ચ સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉનનું એલાન કરાયુ છે. તો નાંદેડ જિલ્લામાં 15 માર્ચ સુધી શાળા-કોલેજ બંધ રહેશે અને સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી જ તમામ બજાર અને દુકાનો ખુલ્લા રહેશે.
તો આ બાજુ ઔરંગાબાદ જિલ્લામાં 17 માર્ચ સુધી તમામ શાક માર્કેટ, બજાર, હોટલ, શાળા અને કોલેજ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.