Covid 19 new cases: દેશના આ 16 રાજ્યોમાં ફેલાયો કોરોના, આંકડો હજાર પાર, દિલ્લીમાં 104 કેસ
Covid 19 new cases: ભારતમાં કોરોના વાયરસના કેસ ફરી વધવા લાગ્યા છે. મોટાભાગના કેસ કેરળમાંથી આવ્યા છે. દિલ્હીમાં 104 એક્ટિવ કેસ છે.

Covid 19 new cases: કોરોના વાયરસ ફરી એકવાર માથું ઉચક્યું છે. જેના પર આરોગ્ય મંત્રાલય તેમજ રાજ્ય સરકારો નજર રાખી રહી છે. સોમવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, કોરોના ચેપના સક્રિય કેસોની સંખ્યા 1009 પર પહોંચી ગઈ છે. જેમાંથી તાજેતરમાં 752 કેસની પુષ્ટિ થઈ છે. છેલ્લા બે અઠવાડિયાથી, આ આંકડો 257 હોવાનું નોંધાયું હતું, પરંતુ સોમવારે જાહેર કરાયેલા તાજેતરના આંકડાઓમાં, કેસોમાં વધારો થયો છે. આ સાથે, આરોગ્ય મંત્રાલય દ્વારા 7 દર્દીના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્રમાં 4, કેરળમાં 2 અને કર્ણાટકમાં 1 મૃત્યુનો સમાવેશ થાય છે, જોકે આ મૃત્યુ વિશે વધુ કોઈ માહિતી આપવામાં આવી નથી.
કયા રાજ્યમાં કેટલા કેસ છે?
જો આપણે કોવિડ- 19ના તાજેતરના કેસોની વાત કરીએ, તો આ સમયે સૌથી વધુ કોરોના કેસ ધરાવતું રાજ્ય કેરળ છે. કેરળમાં સૌથી વધુ 430 સક્રિય કેસ નોંધાયા છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 209 સક્રિય કેસ, દિલ્હીમાં 104, ગુજરાતમાં 83, તમિલનાડુમાં 69 અને કર્ણાટકમાં 47 કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 15, રાજસ્થાનમાં 13, પશ્ચિમ બંગાળમાં 12, પુડુચેરીમાં9, હરિયાણામાં 9, આંધ્રપ્રદેશમાં 4, મધ્યપ્રદેશમાં 2, છત્તીસગઢમાં 1, ગોવામાં 1 અને તેલંગાણામાં 1 એક્ટિવ કેસ છે. ભારતમાં કુલ કેસ 1009 છે. આંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર વગેરે જેવા કેટલાક રાજ્યોમાં હાલમાં કોઈ એક્ટિવ કેસ નોંધાયેલા નથી.
આરોગ્ય મંત્રાલય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે
આરોગ્ય મંત્રાલયના સત્તાવાર સૂત્રો પાસેથી થોડા દિવસો પહેલા મળેલી માહિતી અનુસાર, તાજેતરમાં આરોગ્ય સેવા મહાનિર્દેશક (DGHS) ની અધ્યક્ષતામાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), ઇમરજન્સી મેડિકલ રિલીફ (EMR) વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને કેન્દ્ર સરકારની હોસ્પિટલોના નિષ્ણાતોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
દિલ્હીમાં કોવિડના કેસ વધ્યાં
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. હવે દિલ્હીમાં કોરોનાના 104 એક્ટિવ કેસ કેસ છે. તાજેતરમાં, દિલ્હીના આરોગ્ય પ્રધાન ડૉ. પંકજ સિંહે એક વીડિયો બહાર પાડ્યો હતો અને લોકોને ખોટો ગભરાટ ન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, મને નથી લાગતું કે કોઈએ ગભરાવાની જરૂર છે... આપણી બધી હોસ્પિટલો દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. હોસ્પિટલોમાં ઓક્સિજન સહિત દરેક વસ્તુની સંપૂર્ણ વ્યવસ્થા છે. જો કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ સાથે, દિલ્હીમાં કોરોના અંગે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.





















