Corona Vaccine: મોદી સરકારનો મોટો નિર્ણય, 18 વર્ષથી મોટા તમામ લોકોને આ તારીખથી અપાશે રસી
કોરોના રસીકરણને ઝડપી બનાવવા મોદી સરકારા મોટો નિર્ણય લીધો છે.
નવી દિલ્હીઃ દેશમાં રસીકરણ ઝડપી બનાવવા કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. 1 મેથી દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવશે. 18 વર્ષની મોટા લોકોને પણ રસી આપવા ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા આજે પીએમ મોદીએ દેશના ડોક્ટરો અને ફાર્મા કંપનીઓ સાથે વાત કરી હતી.
12 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 12 કરોડ 38 લાખ 52 હજાર 566 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં હાલ ભારત બાયોટેકની કોવેક્સિન અને ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનકાની કોવિશીલ્ડ લોકોને આપવામાં આવી રહી છે.
દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત પાંચમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 19 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,73,180 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1619 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,44,178 લોકો ઠીક પણ થયા છે.