ભારતમાં સ્પુતનિક-Vનું ક્યારથી શરૂ થશે પ્રોડક્શન ? ચાલુ મહિનાના અંતે કેટલા મળશે ડોઝ, જાણો વિગત
મે મહિનાના અંતમાં કોવિડ-19 વેક્સીન સ્પુતનિક-Vના 30 લાખ ડોઝ પહોંચવાની આશા છે. જ્યારે જૂન સુધીમાં 50 લાખ ડોઝ ઉપલબ્ધ કરાવાશે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું (Coronavirus Cases India) પ્રમાણ ઘટી રહ્યું છે પરંતુ બીજી તરફ સામા પક્ષે પૂરતી રસી (Corona Vaccine) મળી રહી નથી. આ દરમિયાન રશિયાના ભારતના રાજદૂત (Indian Envoy to Russia) ડી બાલા વેંકટેશ વર્માએ કહ્યું, ભારતમાં મે મહિનાના અંતમાં કોવિડ-19 વેક્સીન (Covid-19 Vaccine) સ્પુતનિક-Vના 30 લાખ ડોઝ પહોંચવાની આશા છે. જ્યારે જૂન સુધીમાં 50 લાખ ડોઝ ઉપલબ્ધ કરાવાશે.
વેંકટેશ વર્માએ કહ્યું કે, ઓગસ્ટમાં ભારતમાં સ્પુતનિકનું ઉત્પાદન શરૂ થવાની આશા છે. સિંગલ ડોઝ વાળી સ્પુતનિક લાઇટ માટે પણ રશિયાએ પ્રસ્તાવ આપ્યો છે. ભારતમાં હજુ તેને મંજૂરી મળવાની બાકી છે. ભારતમાં સ્પુતનિકનું ઉત્પાદન હૈદરાબાદની કંપની ડો.રેડ્ડીઝ લેબોરેટરી કરી રહી છે. ભારતીય બજારમાં સુપતનિકની રસીની કિંમત 995 રૂપિયા છે.
તેમણે જણાવ્યું, વિશ્વમાં સ્પુતનિકના 65-70 ટકા ડોઝ ભારતમાં ઉત્પાદિત થશે. ભારતમાં સ્પુતનિક ત્રણ તબક્કામાં મળશે. પ્રથમ રશિયાથી હાલ મોકલવામાં આવી રહ્યો છે. બીજો આરડીઆઈએફ જથ્થાબંધમાં ભારતને મોકલશે. જે ઉપયોગ માટે તૈયાર હશે પરંતુ તેને શીશીમાં ભરવામાં આવશે. ત્રીજો, રશિયા ભારતીય કંપનીઓને ટેકનોલોજી ટ્રાન્સફર કરશે.જેનાથી દેશમાં તેનું ઉત્પાદન વધશે. આ ત્રણતબક્કા દ્વારા ભારતમાં 85 કરોડ વેક્સીન ઉપલબ્ધ હશે.
રસીની અછતના કારણે રસીકરણનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે. ચાલુ સપ્તાહે સોમવારથી સતત 5માં દિવસે 15 લાખથીઓછા રસીના ડોઝ આપવામાં આવ્યા છે. સોમવારે આશરે 13 લાખ ડોઝ, મંગળવારે 12 લાખ, બુધવારે 11.66 લાખ, ગુરુવારે 14.82 લાખ અને શુક્રવારે 15.58 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. 15 મે થી 21 મે વચ્ચેના કુલ 78 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે ગત સપ્તાહે એક કરોડ 28 લાખ ડોઝ અપાયા હતા. તેના પહેલાના અઠવાડિયે પણ એક કરોડ 21 લાખ ડોઝ અપાયા હતા. 3 એપ્રિલથી 9 એપ્રિલ વચ્ચે સૌથી વધારે બે કરોડ 47 લાખ ડોઝ અપાયા હતા.
કોરોનાની બીજી લહેરની વચ્ચે રસીની અછત થઈ ગઈ છે. આ મામલે રાજ્યોનો દાવો છે કે 18થી 44 વર્ષ સુધીના ઉંમરના લોકો માટે અનેક સેન્ટર્સ પર રસીકરણ અભિયાન અટકાવવું પડ્યું છે. બીજી બાજુ રસી બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ)એ કહ્યું કે, સરકારે રસીની ઉપલબ્ધતા ન હોય અને WHO ગાઈડલાઈન્સ પર વિચાર કર્યા વગર જ બધાને રસી આપવાની મંજૂરી આપી દીધી.