(Source: ECI/ABP News/ABP Majha)
Corona Vaccine: ગુજરાતને અડીને આવેલા આ મોટા રાજ્યએ બનાવ્યો રેકોર્ડ, એક કરોડ લોકોને આપ્યા રસીના બંને ડોઝ
દેશમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોના રસીકરણમાં વેગ આવ્યો છે. આ દરમિયાન ગુજરાતને અડીને આવેલા મોટા રાજ્ય મહારાષ્ટ્રે રસીકરણમાં રેકોર્ડ સર્જ્યો છે.
Corona Vaccine Update: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ 40 હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે. સતત ચોથા દિવસે 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોના રસીકરણમાં વેગ આવ્યો છે. આ દરમિયાન ગુજરાતને અડીને આવેલા મોટા રાજ્ય મહારાષ્ટ્રે રસીકરણમાં રેકોર્ડ સર્જ્યો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે એક કરોડથી વધારે લોકોને રસીના બંને ડોઝ આપ્યા હોવાનું જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં ગુજરાતીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 98,341 છે. જ્યારે 60,35,209 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી 1,31,552 લોકોના મોત થયા છે. જે ભારતમાં સૌથી વધુ છે.
Maharashtra becomes the first state to have over 1 crore people vaccinated with both doses of #COVID19 vaccine: Maharashtra Health department
— ANI (@ANI) July 26, 2021
(File pic) pic.twitter.com/K9EP0NAO64
દેશમાં 43 કરોડથી વધારે રસીના ડોઝ અપાયા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 25 જુલાઈ સુધી 43 કરોડ 51 લાખ કરતાં વધારે કોરોના રસીના ડઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 18 લાખ 99 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. આઈસીએમઆરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 45 કરોડ 74 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરાયા છે. ગઈકાલે 11.54 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી વધારે છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 39,361 નવા કેસ નોંધાયા અને 416 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 35,968 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 2,977 એક્ટિવ કેસ વધ્યા છે.
દેશમાં કોરોનાનો ભોગ બનવાના અથવા રસીકરણના કારણે વ્યાપક પ્રમાણમાં લોકોમાં કોરોના વાઈરસ સામે હર્ડ ઈમ્યુનિટી વિકસી છે તેમ છતાં બીજી લહેર જેવી કટોકટી ટાળવા માટે લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે. એઈમ્સના કોવિડ-૧૯ આઈસીયુનું સંચાલન કરી રહેલા ડૉ. યુદ્ધવીર સિંહે જણાવ્યું હતું કે કોરોનાના કેસ ઓછા છે ત્યારે કેટલાક નિયંત્રણો સાથે આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય તે મહત્વનું છે. જોકે, લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. કોરોનાના કેસ ઓછા છે તેમ માનીને લોકોએ બેદરકારી રાખવી જોઈએ નહીં. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હીમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં નોંધાયેલા કેસને ધ્યાનમાં લેતાં મોટાભાગના લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છે. વિશ્વના વિવિધ ભાગોમાં ચેતવણીના સંકેતો અલગ અલગ છે. ભારતમાં પણ કેસોમાં હાલમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. કોરોનાના કેસ કોઈપણ સમયે અચાનક જ વધી શકે છે. દેશમાં કોરોનાની બીજી લહેર જેવી કટોકટી ટાળવા માટે બધા જ લોકોએ વિશેષ કાળજી રાખવી પડશે.