કોરોના સંક્રમણ વધતા ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં 10 દિવસનું કરફ્યૂ, જાણો વિગતે
10 દિવસના આ કર્ફ્યુ દરમિયાન તમામ પ્રકારની ખાનગી કચેરીઓ બંધ રહેશે. તમામ કર્મચારીઓ વર્ક ફોર્મ હોમ કરશે. કર્ફ્યુ દરમિયાન રાજ્યના તમામ બજારો બંધ રહેશે અને કલમ 144 અમલમાં રહેશે. લોકોના મેળાવડાને ક્યાંય પણ મંજૂરી આપવામાં આવશે નહીં.
નવી દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યું છે. ત્યારે કોરોનાને અટકાવવા માટે કેન્દ્ર સરકાર અનેક પગલા લઈ રહી છે સાથે રાજ્ય સરકારો પણ હવે લોકડાઉન કરી રહી છે. અનેક રાજ્યોએ લોકડાઉન લાદી દીધું છે. ત્યારે ભાજપ શાસિત વધુ એક રાજ્યએ કર્ફ્યૂની જાહેરાત કરી છે. હિમાચલ સરકારે (Himachal Pradesh) 10 દિવસ માટે કર્ફ્યૂ (curfew)લાદવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી જયરામ સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં 6 મેના રોજ મધ્ય રાતથી 16 મે સુધી કોરોના કર્ફ્યૂ લાગુ રહેશે. કોરોના કર્ફ્યૂ દરમિયાન તમામ કાર્યાલયો બંધ રહેશે અને માત્ર જરૂરી સેવાઓને મંજૂરી આપવામાં આવશે. સાથે RT-PCR- રિપોર્ટ નેગેટિવ વગર અન્ય રાજ્યના લોકોને પ્રવેશે આપવામાં આવશે નહીં.
મળતી માહિતી અનુસાર, 10 દિવસના આ કર્ફ્યુ દરમિયાન તમામ પ્રકારની ખાનગી કચેરીઓ બંધ રહેશે. તમામ કર્મચારીઓ વર્ક ફોર્મ હોમ કરશે. કર્ફ્યુ દરમિયાન રાજ્યના તમામ બજારો બંધ રહેશે અને કલમ 144 અમલમાં રહેશે. લોકોના મેળાવડાને ક્યાંય પણ મંજૂરી આપવામાં આવશે નહીં. રાજ્યમાં બસ સેવા ચાલુ રહેશે. આ સાથે રાજ્યમાં વિમાન, બસ અથવા ટ્રેનમાં આવતા લોકોને કોવિડની 72 કલાક જુનો આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજીયાત રહેશે.
આ ઉપરાંત રાજ્ય સરકારે ધોરણ 10ની પરીક્ષા રદ કરવાનો અને વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાનો પણ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે હિમાચલ પ્રદેશમાં કોરોનાના 3,824 નવા કેસ નોંધાયા હતા, તેની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,945 થઈ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના 48 દર્દીઓનાં મોત પછી રાજ્યમાં આ જીવલેણ વાયરસના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 1,647 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં 23,572 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 85,671 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઈ ચૂક્યા છે.
કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી
આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યું કે, વાયરસના સંક્રમણથી ઘણા કેસ નોંધાઈ રહ્યાં છે. તેથી હાલમાં એવું કહી શકાય નહીં કે, કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે. પરંતુ આવશે જરૂર, તેથી આપણે આ નવી લહેર માટે તૈયારી કરી દેવી જોઈએ. કોરોનાની ત્રીજી લહેરને ટાળી શકાય નહીં.
તેમણે ક્યું કે, વેક્સિનને અપડેટ કરવાની જરૂર પડશે જેથી આ નવા કોરોના સ્ટ્રેન સામે લડી શકાય. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આપણે નવી લહેરની તૈયારી કરી દેવી જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે, વેક્સિન અપગ્રેડ કરવાની સાથે સર્વેલન્સની પણ જરૂર પડશે.