(Source: ECI/ABP News/ABP Majha)
Covid Wave: કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને રાજ્યોએ શરૂ કરી તૈયારી, બાળકોના બચાવ પર ફોકસ
ભારતમાં સૌથી પહેલા મળી આવેલ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને કારણે અમેરિકામાં બાળકોમાં જે રીતે ચેપ ફેલાઈ રહ્યો છે તેના કારણે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
Covid Wave: કોવિડ -19ની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને દેશના ઘણા રાજ્યોએ તેનો સામનો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે રાજ્યોનું ધ્યાન બાળકો પર છે. દેશભરમાં શાળાઓ ખોલવાની સાથે તેને કોવિડની સંભવિત ત્રીજી લહેરથી સૌથી વધુ જોખમમાં હોવાનું કહેવાય છે.
ઘણા રાજ્યોએ તેમની હોસ્પિટલોમાં બાળકો માટે વધુ પથારી અને ઓક્સિજનની વ્યવસ્થા શરૂ કરી છે. દેશમાં ઘણા રસી ઉત્પાદકોની બાળકો માટેની કોવિડ રસીના ટ્રાયલ તબક્કામાં છે. એવી અપેક્ષા છે કે વર્ષના અંત સુધીમાં કોવિડ રસી બાળકો માટે પણ ઉપલબ્ધ થશે.
ભારતમાં સૌથી પહેલા મળી આવેલ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને કારણે અમેરિકામાં બાળકોમાં જે રીતે ચેપ ફેલાઈ રહ્યો છે તેના કારણે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અત્યાર સુધી યુ.એસ.માં ઘણા બાળકોને ડેલ્ટા વેરિઅન્ટમાં ચેપ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે એપ્રિલ અને મે મહિનામાં દેશમાં કોવિડની બીજી લહેર દરમિયાન ઓક્સિજન અને તબીબી સુવિધાઓના અભાવે હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે આગામી કેટલાક મહિનાઓમાં કોવિડની ત્રીજી લહેરની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે દેશના લગભગ 11 રાજ્યોએ અહીં શાળાઓ ખોલી છે. જે બાદ બાળકોમાં કોરોના સંક્રમણની ચિંતા વધી છે. જોકે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે અત્યાર સુધી તે ક્યાંય પણ સાબિત થયું નથી કે ડેલ્ટા વેરિઅન્ટ બાળકોને સૌથી વધુ અસર કરે છે.
મહારાષ્ટ્રએ તેની તૈયારી શરૂ કરી
મહારાષ્ટ્રમાં પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સના વડા સુહાસ પ્રભુના જણાવ્યા અનુસાર, "આ વખતે વાઈરસ કેવી અસર કરશે તેની અમને ખબર નથી. પણ આપણે તેનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું જોઈએ. આપણે તેમાં કોઈ કસર છોડવી ન જોઈએ." સાથે જ તેમણે કહ્યું કે, "અમે નથી ઈચ્છતા કે કોઈ પણ માતા તેના બીમાર બાળક માટે હોસ્પિટલ બેડની વ્યવસ્થા કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહે." કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતા મહારાષ્ટ્ર સરકારે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મુંબઈ, ગુજરાતની હોસ્પિટલોમાં બાળકો માટે બનાવેલા નવા બેડ
આ માટે મુંબઈ અને ઔરંગાબાદમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહીં નવા કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે જ્યાં બાળકો માટે વધુ પથારી અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુંબઈમાં બાળકો માટે 1,500 નવા બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના ઓક્સિજન ધરાવે છે. બીએમસીના વરિષ્ઠ અધિકારી સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે, "જો જરૂરી હોય તો અમે અહીં અમારા બેડની ક્ષમતાને બમણી કરી શકીએ છીએ."
ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગે બાળકો માટે 15,000 પથારીની વ્યવસ્થા તૈયાર કરી છે. આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ આ માહિતી આપી હતી.
બાળકો માટે રસી હાલમાં ટ્રાયલ તબક્કામાં
કોવિડ રસી અત્યારે ભારતમાં ફક્ત 18 વર્ષથી ઉપરના લોકો માટે ઉપલબ્ધ છે. ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેક બાળકોની રસીનું પરીક્ષણ કરી રહ્યા છે. જો કે, વર્ષના અંત પહેલા આ ઉપલબ્ધ થવાની કોઈ શક્યતા નથી.