13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
ગરદનના દુખાવા બાદ ફિટ થઈને કોહલીની વાપસી, 30 જાન્યુઆરીથી રેલવે સામેની મેચમાં રમશે

Virat Kohli Ranji Trophy: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આખરે રણજી ટ્રોફીમાં પુનરાગમન કરવા માટે તૈયાર છે. BCCIની તાજેતરની પોલિસીમાં સિનિયર ખેલાડીઓને પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સૂચના આપવામાં આવી હતી, ત્યારથી એ જાણવાની ઉત્સુકતા હતી કે વિરાટ દિલ્હી માટે રમશે કે નહીં. ગરદનના દુખાવાના કારણે વિરાટે 23 જાન્યુઆરીથી શરૂ થનારી મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, પરંતુ હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલી 30 જાન્યુઆરીથી યોજાનારી મેચ માટે ઉપલબ્ધ રહેશે.
13 વર્ષ પછી વાપસી
એક રિપોર્ટ મુજબ, વિરાટ કોહલીએ દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ને જણાવ્યું છે કે તે 30 જાન્યુઆરીથી યોજાનારી મેચ રમશે. રણજી ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાં દિલ્હીની આ છેલ્લી મેચ હશે, જે રેલવે સામે રમાશે. આ મેચ પહેલાં દિલ્હી 23 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર સામે મેચ રમશે. કોહલીને આ બંને મેચ માટે દિલ્હીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ ગરદનના દુખાવાના કારણે તે પ્રથમ મેચમાંથી ખસી ગયો હતો, ત્યારબાદ DDCA પસંદગીકારોએ અપડેટ કરાયેલી ટીમમાંથી કોહલીનું નામ હટાવી દીધું હતું.
જો કોહલી આ મેચ રમવા ઉતરશે તો તે 13 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વાપસી કરશે. કોહલીએ છેલ્લે 2012માં દિલ્હી માટે રણજી ટ્રોફી મેચ રમી હતી. જો કે, આ અંગે હજુ પણ શંકા છે, કારણ કે આ મેચ 30 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી રમાશે અને ત્યારબાદ 6 ફેબ્રુઆરીથી વનડે સીરિઝ શરૂ થશે, જેમાં કોહલી ટીમ ઈન્ડિયાનો ભાગ છે. આ સંજોગોમાં તે પ્રથમ વનડેમાંથી બ્રેક લેશે કે કેમ તે જોવાનું રહેશે.
અન્ય ખેલાડીઓ પણ રમશે રણજી
કોહલીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે BCCIની કડકાઈ બાદ ટીમ ઈન્ડિયાના તમામ સિનિયર અને નવા ખેલાડીઓ પોતપોતાની ટીમોની રણજી ટ્રોફી મેચમાં ભાગ લઈ રહ્યા છે. ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ 23 જાન્યુઆરીથી યોજાનાર રાઉન્ડ માટે ઉપલબ્ધ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ મુંબઈની ટીમમાં વાપસીની જાહેરાત કરી છે અને તેને પણ આગામી મેચ માટે ટીમમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ રમતા જોવા મળી શકે છે.
છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય ક્રિકેટમાં એ વાતની ચર્ચા ચાલી રહી છે કે શું સિનિયર ખેલાડીઓએ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ, ખાસ કરીને રણજી ટ્રોફીમાં રમવું જોઈએ. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં હાર અને ખાસ કરીને સિનિયર બેટ્સમેનોના ખરાબ પ્રદર્શન બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ બાબત પર ભાર મૂક્યો હતો અને ત્યારબાદ BCCIએ પણ તમામ ખેલાડીઓ માટે તેને ફરજિયાત બનાવ્યું હતું.
આ પણ વાંચો....
ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર, નાઇજીરિયાએ ન્યૂઝીલેન્ડને હરાવી દુનિયાને ચોંકાવી દીધી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
