(Source: ECI/ABP News/ABP Majha)
Asani Cyclone: 'અસાની' વાવાઝોડું આવતા 24 કલાકમાં વધુ તીવ્ર બનશે, પશ્ચિમ બંગાળમાં હાઈ એલર્ટ અપાયું
'આસાની' નામનું ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. વાવાઝોડું હવે વિશાખાપટ્ટનમથી 940 કિમી અને ઓડિશાના પુરીથી 1000 કિમીના અંતરે છે.
Asani Cyclone: 'આસાની' નામનું ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. વાવાઝોડું હવે વિશાખાપટ્ટનમથી 940 કિમી અને ઓડિશાના પુરીથી 1000 કિમીના અંતરે છે. ચક્રવાત 10 મેના રોજ પશ્ચિમ બંગાળમાં પહોંચી શકે છે. આ તોફાનને ધ્યાને રાખીને પશ્ચિમ બંગાળમાં હાઈ એલર્ટ અપાયું છે. ચક્રવાતને પહોંચી વળવા માટે બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈયારીઓ ચાલી રહી છે. દરિયાકાંઠાના જિલ્લાઓના દરેક સબ-ડિવિઝન અને હેડક્વાર્ટરમાં કંટ્રોલ રૂમ ખોલવામાં આવી રહ્યા છે. ચક્રવાતી તોફાન માટે 5 ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ તૈયાર છે અને NDRF, SDRF, કોસ્ટલ ગાર્ડ અને નેવી એલર્ટ પર છે.
મમતા બેનર્જીનો પ્રવાસ સ્થગિતઃ
ચક્રવાતી વાવાઝોડાને જોતાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના જિલ્લા પ્રવાસનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. ટીએમસીના મહાસચિવ કુણાલ ઘોષે કહ્યું કે, 'આસાની' વાવાઝોડાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ મિદનાપુર અને ઝારગ્રામમાં સીએમ મમતા બેનર્જીના 3 દિવસના કાર્યક્રમ જે 10, 11 અને 12 મે પર રાખવામાં આવ્યો હતો તે હવે 17, 18 અને 19 મેના રોજ યોજાશે.
ઓડિશા અને બંગાળના આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઃ
IMDએ જણાવ્યું કે મંગળવારથી ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના દક્ષિણ ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. માછીમારોને 10 મેથી આગામી સૂચના સુધી દરિયામાં ના જવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓડિશાના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ 9 મેના રોજ ખરાબ થશે અને 10 મેના રોજ વાવાઝોડાથી સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. 10 મેના રોજ દરિયામાં પવનની ઝડપ વધીને 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.
'આસાની' નામનો અર્થ શું છે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાનનું નામ 'આસાની' રાખવામાં આવ્યું છે, જે સિંહલી ભાષામાં 'ક્રોધ' માટે વપરાતો શબ્દ છે. આ તોફાન આંદામાન ટાપુઓમાં પોર્ટ બ્લેરથી 380 કિમી પશ્ચિમમાં બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ વિસ્તારમાં કેન્દ્રિત છે.