(Source: ECI/ABP News/ABP Majha)
Deep Sidhu Arrested: લાલ કિલ્લા હિંસા કેસમાં દીપ સિદ્ધુની ફરી ધરપકડ, આજે જ મળ્યા હતા જામીન
દીપ સિદ્ધુની 9 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. તેની ઉપર પ્રદર્શનકારીઓને ભડકાવવા સહિતના ઘણા આરોપો છે. જોકે, જામીનનાં થોડા કલાકો પછી સિદ્ધુની ફરી ધરપકડ કરવામાં આવી છે.
નવી દિલ્હી: લાલા કિલા હિંસા કેસના આરોપી પંજાબી એક્ટર દીપ સિદ્ધુ (Actor Deep Sidhu) ને દિલ્લી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ફરી ધરપકડ કરી લીધી છે. દીપ સિદ્ધુને આજે જ દિલ્હીની તીસ હજારી કોર્ટમાંથી શરતી જામીન આપવામાં આવ્યા હતા.
દીપ સિદ્ધુની 9 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. તેની ઉપર પ્રદર્શનકારીઓને ભડકાવવા સહિતના ઘણા આરોપો છે. દિલ્હી કોર્ટે આજે તેને 30,000 રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. જામીન સાથે કોર્ટ દ્વારા લગાવવામાં આવેલી શરતો હેઠળ, સિદ્ધુએ પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે, પોતાનો પાસપોર્ટ જમા કરવો પડશે, ફોન નંબર બદલવો નહીં અને હિંસાના પુરાવા સાથે ચેડા નહીં કરવા. જોકે, જામીનનાં થોડા કલાકો પછી સિદ્ધુની ફરી ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગણતંત્ર દિવસે રાજધાની દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન ખેડૂતો અને પોલીસ કર્મી વચ્ચે ઘર્ષણ થયું હતું. તેની વચ્ચે કેટલાક પ્રદર્શનકારી ટ્રેક્ટર લઈને લાલા કિલ્લા પર પહોંચ્યા હતા. તેમાંથી કેટલાક લોકોએ લાલ કિલ્લાની બાજુમાં ધાર્મિક ઝંડો ફરકાવ્યો હતો. તે દરમિયાન હિંસામાં 500 પોલીસકર્મી ઘાયલ થઈ ગયા હતા અને એક પ્રદર્શનકારીનું મોત થયું હતું.
8 એપ્રિલે યોજાયેલી છેલ્લી સુનાવણીમાં દીપ સિદ્ધુએ પોતાને નિર્દોષ ગણાવ્યો હતો અને આ કેસમાં જામીન માટે વિનંતી કરી હતી. આ બનાવમાં બનાવટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. ફરિયાદીએ જામીન પર વાંધો ઉઠાવતા તેને મુખ્ય આરોપી ગણાવ્યો હતો.