Delhi Accident : યુવતીને કાર સાથે ઢસડવાના કેસમાં પ્રત્યક્ષદર્શીનો સનસની ખુલાસો, પોલીસકર્મીઓ જ ભાનમાં નહોતા અને...
વિશ્વસનીય સૂત્રોના અહેવાલ અનુંસાર, યુવતીને કાર સાથે ઢસડવાના અને મૃત્યુ પામવાના કેસમાં એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો હતો કે, તેણે પીસીઆર વાનમાં પોલીસની મદદ લેવાનો પ્રયાસ કર્યો હતો.
Delhi Woman Accident: રાજધાની દિલ્હીના આઉટર દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં એક કારે 20 વર્ષીય યુવતીની સ્કૂટીને ટક્કર મારી અને તેને લગભગા 8 કિલોમીટર સુધી ઢસડી હોવાની ચોંકાવનારી ઘટનામાં વધુ એક ચોંકાવનારો વિગત સામે આવી છે. આ ચોંકાવનારી વાત સામે આવતા દિલ્હી પોલીસની કાર્યશૈલી પર પણ ગંભીર સવાલ ઉભા થઈ શકે છે. એક પ્રત્યક્ષદર્શીએ આ દાવો કર્યો છે.
વિશ્વસનીય સૂત્રોના અહેવાલ અનુંસાર, યુવતીને કાર સાથે ઢસડવાના અને મૃત્યુ પામવાના કેસમાં એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો હતો કે, તેણે પીસીઆર વાનમાં પોલીસની મદદ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ કર્મચારીઓ જ ભાનમાં નહોતા. આ ઉપરાંત તેમણે આટલી મોટી અને ગંભીર ઘટનામાં પણ જાણે કાર્યવાહી કરવામાં કોઈ રસ જ દાખવ્યો નહોતો.
આ ઘટનાને નજરે જોનારા દીપકે દાવો કર્યો છે કે, તે રાત્રે લગભગ 3.15 વાગ્યે દૂધની ડિલિવરી લેવા માટે રાહ જોઈ રહ્યો હતો જ્યારે તેણે આખી ઘટના જોઈ હતી. તેણે જોયું કે કાર મહિલાને રીતસરની ઢસડી રહી હતી. આ કેસમાં પોલીસે કારમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોની ધરપકડ કરી છે.
'પોલીસે સવારે 5 વાગ્યા સુધી કોઈ કાર્યવાહી જ ના કરી'
પ્રત્યક્ષદર્શી દીપકે જણાવ્યું હતું કે, કાર સામાન્ય ગતિએ ચાલી આગળ વધી રહી હતી અને ડ્રાઈવર ભાનમાં હોય તેવું લાગી રહ્યું હતું. દીપકે એવો પણ દાવો કર્યો હતો કે, તેણે બેગમપુર સુધી બલેનો કારને પીછો પણ કર્યો હતો. દીપકે એવો પણ દાવો કર્યો હતો કે, આખી ઘટના મેં નજરે જોઈ હોવા છ્તાં અને પોલીસને આ મામલે જાણકારી મળી હોવા છતાંયે પોલીસે સવારે 5 વાગ્યા સુધી કોઈ જ કાર્યવાહી કરી નહોતી.
પોલીસે કર્યો આ દાવો
રોહિણી જિલ્લાની કંજાવલ પોલીસે દાવો કર્યો હતો કે, તેમને રવિવારે સવારે 3.30 વાગ્યે એક કોલ આવ્યો હતો જેમાં કોલ કરનારે કહ્યું હતું કે, ગ્રે રંગની બલેનો કાર એક મહિલાના મૃતદેહને કુતુબગઢ તરફ ઢસડની જઈ રહી છે. ફોન કરનારે પોલીસને કારનો રજીસ્ટ્રેશન નંબર જણાવ્યો હતો. પોલીસે કાર માલિક સહિત પાંચ લોકોની ધરપકડ પણ કરી હતી.
આ કલમો હેઠળ કેસ નોંધાયેલ
આ મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 279 (રેશ ડ્રાઇવિંગ) અને 304-A (બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દીપક ખન્ના (26), અમિત ખન્ના (25), ક્રિષ્ના (27), મિથુન (26) અને મનોજ મિત્તલની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓને ખબર જ નહોતી કે યુવતી તેમની કાર સાથે ઢસડાઈ રહી છે. બાદમાં જ્યારે તેમને આ બાબતે ખબર પડી ત્યારે તેઓ ડરી ગયા હતાં અને મૃતદેહને કાર સાથેથી અલગ કરે ભાગી ગયા હતાં.