DRDOની એન્ટી કોવિડ દવા જલ્દીજ દર્દીઓને મળતી થઈ જશે, ‘2-DG’ના દસ હજાર ડોઝ તૈયાર
ગ્લુકોઝ આધારિત આ દવાના ઉપયોગથી કોરોનાગ્રસ્ત દર્દીઓએ ઓક્સિજન પર વધારે આધાર રાખવો પડશે નહીં અને ઝડપથી સ્વસ્થ થઈ જશે.
નવી દિલ્હી: કોરોના મહામારી (Coronavirus)સામે લડવા માટે દેશમાં વધુ એક દવા જલ્દીજ દર્દીઓને મળતી થઈ જશે. ડીઆરડીઓ (DRDO)ની એન્ટી કોવિડ- મેડિસિન, 2ડીજી આગામી એક-બે દિવસમાં દર્દીઓને મળવાની શરુ થઈ થશે. સૂત્રો અનુસાર, હૈદરાબાદથી ડૉક્ટર રેડ્ડીઝ લેબમાં 10 હજાર ડોઝ બનીને તૈયાર થઈ ગયા છે અને આગામી એક -બે દિવસમાં ડીઆરડીઓની હોસ્પિટલોમાં ઉપલબ્ધ પણ થઈ જશે.
એબીપી ન્યૂઝ અનુસાર, આ 10 હજાર ડોઝ બાદ ડીઆરડીઓના કહેવા પર ડૉક્ટર રેડ્ડીઝ લેબ જૂન મહિનાથી દર અઠવાડિયે એક લાખ ડોઝ બનાવવાનું શરુ કરી દેશે. તેના બાદ પાણીમાં ઓગાળીને પી શકાય એવી આ દવા જલ્દ જ અન્ય હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વચ્ચે ડીઆરડીઓએ ગયા અઠવાડિયે મોટા રાહતના સમાચાર આપ્યા હતા. ડીઆરડીઓએ એન્ટી કોવિડ દવા બનાવવાનો દાવો કર્યો છે કે, ગ્લુકોઝ આધારિત આ દવાના ઉપયોગથી કોરોનાગ્રસ્ત દર્દીઓએ ઓક્સિજન પર વધારે આધાર રાખવો પડશે નહીં અને ઝડપથી સ્વસ્થ થઈ જશે. ડીઆરડીઓએ એન્ટી કોવિડ દવા '2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ' (2 ડીજી) ડૉ. રેડ્ડી લેબ સાથે મળીને તૈયાર કરી છે અને ક્લિનિકલ ટ્રાયલ બાદ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ દવાને ઈમરજન્સી ઉપયોગ માટે લીલી ઝંડી આપી દીધી છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,11,170 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4077 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,62,437 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 46 લાખ 84 હજાર 077
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 7 લાખ 95 હજાર 335
કુલ એક્ટિવ કેસ - 36 લાખ 18 હજાર 458
કુલ મોત - 2 લાખ 70 હજાર 284
કેટલા રાજ્યોમાં છે એક લાખથી વધુ એક્ટિવ કેસ
11 રાજ્યોમાં એક લાખથી વધારે કેસ છે. જ્યારે 8 રાજ્યોમાં 50 હજારથી એક લાખ અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા કેસ છે. એક સમયે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢમાં વધારે એક્ટિવ કેસ નોંધાતા હતા પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે. એક્ટિવ કેસની બાબતે કર્ણાટક ટોચ છે, અહીં 5,98,625 એક્ટિવ કેસ છે. જ્યારે 5,21,683 એક્સિવ કેસ સાથે મહારાષ્ટ્ર બીજા, 4,42,550 એક્ટિવ કેસ સાથે કેરળ ત્રીજા ક્રમે છે. 1,17,373 કેસ સાથે ગુજરાત એક લાખથી વધુ એક્ટિવ કેસવાળા રાજ્યોમાં નવમાં ક્રમે છે.
કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 31,48,50,143 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 15 મે ના રોજ 18,32,950 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.