12 કરોડ કેશ, 6 કરોડના દાગીના... ધનકુબેર નીકળ્યા કોંગ્રેસ નેતા, ઓનલાઇન ગેમિંગ બિલ પાસ થતાં જ ED એ પાડી રેડ
ED Raid News: દરોડા દરમિયાન, 12 કરોડ રૂપિયા રોકડા (1 કરોડ વિદેશી ચલણ સહિત), 6 કરોડ રૂપિયાનું સોનું, 10 કિલો ચાંદી અને 4 લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી હતી

ED Raid News: ઓનલાઈન ગેમિંગ પર કાયદો બનતાની સાથે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ રેકેટ પર કાર્યવાહી કરતા, ED એ કર્ણાટકના ચિત્રદુર્ગના ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ગંગટોકથી ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય એજન્સીએ બેંગલુરુ, ચિત્રદુર્ગ, મુંબઈ, ગોવા અને ગંગટોક સહિત 31 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ગોવામાં પાંચ મોટા કેસિનો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
દરોડા દરમિયાન, 12 કરોડ રૂપિયા રોકડા (1 કરોડ વિદેશી ચલણ સહિત), 6 કરોડ રૂપિયાનું સોનું, 10 કિલો ચાંદી અને 4 લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી હતી. ઉપરાંત, 17 બેંક ખાતા અને ૨ લોકર ફ્રીઝ કરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે ધારાસભ્ય અને તેમના ભાઈ ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ્સ King567 અને Raja567 ચલાવી રહ્યા હતા. દુબઈની કંપનીઓ દ્વારા પૈસા ફરતા કરવામાં આવી રહ્યા હતા અને ગેરકાયદેસર કમાણીને સફેદ બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ધારાસભ્ય કેસિનો ભાડે લેવા માટે ગંગટોક આવ્યા હતા. તે જ સમયે EDએ તેમને પકડી લીધા. હવે તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર બેંગ્લોર કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે.
પીએમએલએ હેઠળ કાર્યવાહી
સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. વીરેન્દ્ર પપ્પી ચિત્રદુર્ગ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગના સંદર્ભમાં ધારાસભ્ય અને કેટલાક અન્ય લોકોના પરિસરની તપાસ કરવામાં આવી રહી છે.
ગોવાના આ કેસિનો પર કાર્યવાહી
ગોવામાં ED એ જે કેસિનોમાં કાર્યવાહી કરી છે તેમાં પપીઝ કેસિનો ગોલ્ડ, ઓશન રિવર્સ કેસિનો, પપીઝ કેસિનો પ્રાઇડ, ઓશન 7 કેસિનો અને બિગ ડેડી કેસિનોનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર, કોલ સેન્ટર અને ગેમિંગ બિઝનેસ દુબઈથી ત્રણ કંપનીઓ - ડાયમંડ સોફ્ટેક, ટીઆરએસ ટેક્નોલોજીસ અને પ્રાઇમ9 ટેક્નોલોજીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો.
ગંગટોકમાં બિઝનેસ ટ્રીપ પર ગયો હતો
ED ટીમને જાણવા મળ્યું કે કેસી વીરેન્દ્ર તેના સાથીઓ સાથે ગંગટોકમાં બિઝનેસ ટ્રીપ પર ગયો હતો. જ્યાં તેઓ જમીન ભાડે લઈને નવો કેસિનો ખોલવાની તૈયારી કરી રહ્યા હતા. આ સમય દરમિયાન, 23 ઓગસ્ટના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી અને પછી તેને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને ટ્રાન્ઝિટ રિમાન્ડ લેવામાં આવ્યા હતા જેથી તેને બેંગલુરુ કોર્ટમાં રજૂ કરી શકાય.
દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ મળ્યા
ED ને દરોડા દરમિયાન આવા ઘણા દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ મળ્યા છે. જે પૈસાની હેરાફેરી અને મની લોન્ડરિંગના મોટા નેટવર્કનો ખુલાસો કરે છે. એજન્સી હવે તપાસ કરી રહી છે કે સટ્ટાબાજીમાંથી કમાયેલા પૈસાથી કયા વ્યવસાયો અને મિલકતોનું રોકાણ કરવામાં આવ્યું હતું. કેસની તપાસ ચાલી રહી છે. ED ની આગળની તપાસમાં ઘણા મોટા ખુલાસા થવાની અપેક્ષા છે.





















