દેશભરમાં સ્કૂલ એડમિશનમાં 37 લાખનો ઘટાડો, શિક્ષણ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ
વર્ષ 2022-23ની સરખામણીમાં વર્ષ 2023-24માં આ આંકડામાં 37.45 લાખનો ઘટાડો થયો છે
દેશભરમાં સ્કૂલ એડમિશનમાં 37 લાખથી વધુનો ઘટાડો થયો છે. આ ઘટાડો SC, ST, OBC અને છોકરીઓના વર્ગમાં સૌથી વધુ છે. વર્ષ 2022-23ની સરખામણીમાં વર્ષ 2023-24માં સ્કૂલ એડમિશનની વિવિધ કેટેગરીમાં આ ઘટાડો નોંધાયો છે. માધ્યમિક હેઠળ ધોરણ 9 થી 12 સુધીનો આ ઘટાડો 17 લાખથી વધુ છે. જો કે, પ્રી-પ્રાઇમરી એડમિશનમાં વધારો થયો છે.
ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના એડમિશનમાં 37.45 લાખનો ઘટાડો
શિક્ષણ મંત્રાલયના ઈન્ટિગ્રેટેડ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઈન્ફોર્મેશન સિસ્ટમ (U-DISE Plus)ના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. આ મુજબ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશમા 37.45 લાખનો ઘટાડો થયો છે. વર્ષ 2023-24માં કુલ પ્રવેશ 24.80 કરોડ હતા. અગાઉ તે વર્ષ 2022-23માં 25.17 કરોડ રૂપિયા અને વર્ષ 2021-22માં લગભગ 26.52 કરોડ રૂપિયા હતા.
વર્ષ 2022-23ની સરખામણીમાં વર્ષ 2023-24માં આ આંકડામાં 37.45 લાખનો ઘટાડો થયો છે. જોકે, ટકાવારીમાં આ આંકડો માત્ર 1.5 ટકા છે. આ સમયગાળા દરમિયાન છોકરીઓની સંખ્યામાં 16 લાખનો ઘટાડો થયો છે, જ્યારે છોકરાઓની સંખ્યામાં 21 લાખનો ઘટાડો થયો છે.
લઘુમતીઓનું પ્રતિનિધિત્વ કુલ પ્રવેશના 20 ટકા જેટલું હતું. લઘુમતીઓમાં 79.6 ટકા મુસ્લિમ, 10 ટકા ખ્રિસ્તી, 6.9 ટકા શીખ, 2.2 ટકા બૌદ્ધ, 1.3 ટકા જૈન અને 0.1 ટકા પારસી હતા.
રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલા 26.9 ટકા વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીમાંથી, 18 ટકા અનુસૂચિત જાતિના, 9.9 ટકા અનુસૂચિત જનજાતિના અને 45.2 ટકા અન્ય પછાત વર્ગના વર્ગમાંથી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અલગ અલગ રાજ્યમાં સ્કૂલો, શિક્ષકો અને નોંધાયેલા વિદ્યાર્થીઓની ઉપલબ્ધતા અલગ અલગ છે.
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ઉપલબ્ધ શાળાઓની ટકાવારી નોંધાયેલા વિદ્યાર્થીઓની ટકાવારી કરતાં વધુ છે. જ્યારે, તેલંગણા, પંજાબ, બંગાળ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને બિહાર જેવા રાજ્યોમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સરખામણીમાં ઉપલબ્ધ શાળાઓની ટકાવારી નોંધપાત્ર રીતે ઓછી છે, જે માળખાકીય સુવિધાઓનો વધુ સારો ઉપયોગ સૂચવે છે.
દેશની માત્ર 57 ટકા શાળાઓમાં કોમ્પ્યુટર છે
શિક્ષણ મંત્રાલયના આંકડા મુજબ, દેશની માત્ર 57 ટકા શાળાઓમાં કોમ્પ્યુટર છે, જ્યારે 53 ટકા શાળાઓમાં ઈન્ટરનેટ સુવિધા છે. 90 ટકાથી વધુ શાળાઓ વીજળી અને છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓથી સજ્જ છે.