(Source: ECI/ABP News/ABP Majha)
Exclusive : સિદ્ધુ મૂસેવાલાની હત્યાને લઈ લોરેંસનો સનસની ખુલાસો, કહ્યું - બદલો તો હજી બાકી છે
જાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં આ ખુલાસો કર્યો છે.
Sidhu Moosewala Murder Case Exclusive: પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં આ ખુલાસો કર્યો છે. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના આરોપી લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે, ગોલ્ડી બ્રારે સિદ્ધુ મુસેવાલાની હત્યા કરાવી હતી. તેણે (બ્રારે) બધું પ્લાનિંગ કર્યું હતું. હા, હું પણ મુસેવાલાથી નારાજ હતો કારણ કે તે અમારી હરીફ ગેંગને ટેકો આપતો હતો.
જેલમાંથી જ વાત કરતા બિશ્નોઈએ કહ્યું હતું કે, કેટલાક લુઝ પોઈન્ટ્સ છે જ્યાંથી ફોન લાવવામાં આવે છે. અમે જેલમાંથી જ મેનેજ કરીએ છીએ. ગેંગસ્ટર બિશ્નોઈએ કહ્યું હતું કે, અમે અમારો પક્ષ રજૂ કરવા માંગીએ છીએ. સમાજની અંદર અમને ખૂબ જ નકારાત્મક બતાવવામાં આવી રહ્યા છે. અમને આતંકવાદી કહેવામાં આવે છે. હું અપરાધની દુનિયામાંથી બહાર આવવા માંગુ છું. આ બધી બાબતો અંગે હું મારી વાત તમારી સામે રાખવા માંગુ છું. અમે બોલવામાં એટલા સારા નથી. ટીવી પર ક્યારેય બોલ્યા નહીં, ભૂલ હોય તો માફ કરજો.
મુસેવાલાની હત્યાની માહિતી કેવી રીતે મળી?
મુસેવાલાની હત્યા પર લોરેન્સે વધુમાં કહ્યું હતું કે, હું સૂઈ રહ્યો હતો. કેનેડાથી એક મિત્રએ મને ફોન કરીને કહ્યું કે, હત્યા થઈ છે. મેં ફોન પર વાત કરી. અહીં રિમાન્ડ પર આવ્યા બાદ જાણવા મળ્યું હતું કે, ગોલ્ડીએ તેની હત્યા કરાવી હતી. મારો ફોન બંધ હતો. મારી લિંકના છોકરાઓ ગોલ્ડીભાઈના સંપર્કમાં હતા. ગોલ્ડીભાઈ મારી ગેંગ ચલાવે છે. મને ખબર હતી કે, મુસેવાલાની હત્યા કરવામાં આવશે, પણ પ્લાનિંગ મારું નહોતું. આ પ્લાન ગોલ્ડી બ્રાર, સચિન અને અન્યોએ બનાવ્યો હતો.
"બદલો હજી પૂરો થયો નથી"
બિશ્નોઈએ કહ્યું હતું કે, તેને (ગોલ્ડી) પીડા છે, લડાઈ લડી રહ્યો છે. વિકી મારો ભાઈ હતો. તેનો પણ પ્રેમ હતો, મારો પણ પ્રેમ છે. ગુરુલાલ મારો ભાઈ હતો અને તેનો પણ ભાઈ છે. પણ મેં બદલો નથી લીધો. તે મુસેવાલા નેતાગીરીમાં સિન્ડિકેટ બનાવતો હતો. મારી સામે ગેંગ તૈયાર કરી રહ્યો હતો. હવે જેમણે પણ વિકી-ગુરુલાલને માર્યા છે તેમની સામે અમારે બદલો લેવાનો છે. તેના પિતા (સિધુ મુસેવાલાના પિતા) અમારા નામ લઈ રહ્યા છે.
"મુસેવાલાની હત્યાથી ગુસ્સે હતો"
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, મેં ક્યારેય કોઈ ગુનો કર્યો નથી. અમારી સાથે થયેલા અન્યાયની પ્રતિક્રિયામાં અમે બધું કર્યું છે. અમને નથી લાગતું કે અમે કોઈ ગુનો કર્યો છે. મુસેવાલાની હત્યાથી મને ગુસ્સો આવ્યો. હા, તે ચોક્કસપણે અમારી વિરુદ્ધ કામ કરતો હતો, પરંતુ જે કંઈ કર્યું તે ગોલ્ડી બ્રારે કર્યું છે. કોંગ્રેસ સરકારમાં મુસેવાલાનો પ્રભાવ હતો. તે અમારા વિરોધીઓને મજબૂત કરી રહ્યો હતો.
બિશ્નોઈએ આરોપ લગાવ્યો હતો કે, મુસેવાલા વિકીની હત્યામાં સામેલ લોકોને બચાવી રહ્યો હતો. મુસેવાલા કદાચ ડોન બનવા માંગતો હતો. તે પોતાના ગીતોને વાસ્તવિકતામાં બદલવા માંગતો હતો. તે એક કલાકાર હતો, તેની એક અલગ દુનિયા હતી. જ્યારે અમે જેલ ભોગવી રહ્યાં છીએ. અમારી એક અલગ દુનિયા છે. અગાઉ પણ તે બંદૂકધારી વગર ચંદીગઢની આસપાસ ફરતો હતો, અમે ક્યારેય કશું કહ્યું નથી. પરંતુ તે અમારા વિરોધીઓ સાથે પ્રચાર કરી રહ્યા હતા.
ગોલ્ડી બ્રાર અંગે લોરેન્સે કહ્યું હતું કે, અમે બંને યુનિવર્સિટીના સમયથી સાથે છીએ. તે મારો જુનિયર હતો. તેના અફેરને કારણે તે ગુનાની દુનિયામાં આવ્યો હતો. વિકી અને ગુરુલાલની હત્યા બાદ અમને મુસેવાલાથી વાંધો હતો.
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની 29 મે, 2022ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ મુસેવાલામાં 30થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હત્યાનો માસ્ટર માઇન્ડ હતો અને તેના નજીકના ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે હત્યાની જવાબદારી લીધી હતી.