શું આજથી ભારતમાં Facebook, WhatsApp સહિતના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગશે ? જાણો શું છે કેન્દ્રની નવી ગાઈડલાઈન્સ
આ વર્ષે ફેબ્રુઆરીમાં સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી હતી.
ભારતમાં Facebook, WhatsApp, Twitter અને Instagram માટે નવા નિયમ લાગુ કરવાની ડેડલાઈન ગઈકાલે પૂર્ણ થઈ ગઈ છે. આઈટી નિયમો મુજબ તેમાં ફેરફાર કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. ભારત સરકારે ટવીટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સહિત સોશલ મીડિયા પ્લેટફોર્મને પ્રાઈવસી નિયમનું પાલન કરવામાં નિષ્ફળ રહેવાને લઈ ચેતવણી સાથે નોટિસ ફટકારી છે. નવા નિયમ મુજબ ટવીટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશલ મીડિયા પ્લેટફોર્મમાં મુખ્ય અનુશાસન અધિકારી, નોડલ અધિકારી અને ફરિયાદી અધિકારી નિયુક્ત કરવા માટે કહેવામાં આવ્યું છે.
ટ્વિટરે સમય માગ્યો
જ્યારે આ ગાઈડલાઈનની ડેડલાઈન ખત્મ થતા પહેલા સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકે પોતાના નિવેદનમાં કહ્યું કે, તે સરકારની નવી ગાઈડલાઈનનું સન્માન કરે છે અને તેને લાગુ કરવા માટે કાર્યરત છે. ફેસબુકે એ પણ કહ્યું કે, નવી ગાઇડલાઈનને લાગુ કરવાને લઈને તેની સરકાર સાથે ચર્ચા પણ ચાલી રહી છે. બીજી બાજુ માઈક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરે ભારત સરકાર તરફથી નવી ગાઈડલાઈન લાગુ કરવા માટે છ મહિનાનો સમય માગ્યો છે. જ્યારે ભારતીય ટ્વિટર કહેવાતી Koo Appએ સરકારની નવી ગાઇડલાઈનને લાગુ કરી દીધી છે.
નોંધનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી હતી. કેન્દ્રએ તેને લાગુ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. પરંતુ Koo App સિવાય કોઈ અન્ય પ્લેટફોર્મ તેને લાગુ કરી શક્યા નથી. એવામાં નવી ગાઈડલાઈન લાગુ ન કરવા પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરૂદ્ધ કાર્રવાઈ કરવામાં આવી શકે છે.
કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન અનસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ભારતમાં નોડલ ઓફિસર, રેસિડન્ટ ફરિયાદ અધિકારીની નિમણુક કરવી પડશે, જે ભારતમાં જ હશે. આ અધિકારીએ 15 દિવસની અંદર OTT કન્ટેન્ટ વિરૂદ્ધ મળનારી ફરિયાદનું સમાધાન કરવું પડશે. ઉપરાંત નવી ગાઈડલાઈન અંતર્ગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મે એક મંથળી રિપોર્ટ બહાર પાડવો પડશે, જેમાં ફરિયાદ અને સમાધાનની જાણકારી હશે. ઉપરાંત કઈ પોસ્ટ અને કન્ટેન્ટને હટાવવામાં આવ્યા છે અને તેનું કારણ શું હતું તેના વિશે પણ કહેવું પડશે. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પાસે ભારતનું ફિઝિકલ એડ્રેસ હોવું જોઈએ, જે કંપનીની મોબાઈલ એપ અને વેબસાઈટ પર નોંધાયેલ હોય.