ફેબ્રુઆરીમાં અગનજ્વાળા! ગુજરાત-મહારાષ્ટ્રમાં હીટવેવથી હાલાકી, હવામાન વિભાગનું યલો એલર્ટ
રેકોર્ડબ્રેક ગરમીથી લોકો ત્રાહિમામ, ગુજરાતના અનેક જિલ્લાઓ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે યલો એલર્ટ જાહેર.

Gujarat Maharashtra weather update: દેશમાં હવામાનનો અજીબ ખેલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં ઠંડીનો ચમકારો હોય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં અસામાન્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. મે-જૂન મહિના જેવી કાળઝાળ ગરમી અને લૂ લાગવાથી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે, અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે 25 થી 27 ફેબ્રુઆરી સુધી યલો એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે.
ગુરુવારે પણ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું મોજુ યથાવત રહ્યું હતું. લોકો આશ્ચર્યમાં છે કે ફેબ્રુઆરીમાં જો આટલી ગરમી હોય, તો મે-જૂનમાં શું થશે. ગુરુવારે મહારાષ્ટ્રના મુંબઈ શહેર, મુંબઈ ઉપનગરો, થાણે, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ગરમી અને ગરમ પવનોને કારણે યલો એલર્ટ ચાલુ રાખવામાં આવ્યું હતું.
ગુજરાતમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દીવ, અરવલી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં લોકોએ ભારે ગરમીનો સામનો કર્યો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર, ગુરુવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહારાષ્ટ્રના મુંબઈમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 22 અને 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું જ હતું.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધી શકે છે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 27 ફેબ્રુઆરી સુધી ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની આગાહી કરી છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે છે.
જો કે, ગરમીથી રાહત આપનારા સમાચાર પણ છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના બીજા સપ્તાહમાં કમોસમી વરસાદ વરસી શકે છે, અને ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં માર્ચની શરૂઆતમાં પણ વરસાદની સંભાવના છે. 7 થી 10 માર્ચ વચ્ચે ફરીથી કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમીનું મોજુ તીવ્ર બન્યું છે. મુંબઈના બોરીવલી, ચેમ્બુર, મુલુંડ અને સાંતાક્રુઝમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે મુંબઈમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, પરંતુ હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. મુંબઈના કુલાબા, પુવાઈ અને વરલીમાં લઘુત્તમ તાપમાન 21 અને મહત્તમ 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પાલઘર, થાણે, રત્નાગીરી, રાયગઢ અને સિંધુદુર્ગ જિલ્લામાં પણ ગરમીની સ્થિતિ ગંભીર છે. થાણેમાં શુક્રવારે ગરમી અને ભેજનું પ્રમાણ વધુ રહેવાની આગાહી છે, જ્યારે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે. રત્નાગીરી, રાયગઢ અને સિંધુદુર્ગમાં પણ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહ્યું છે.
આ પણ વાંચો....
મહાશિવરાત્રિએ મેઘતાંડવ?: અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે





















