કડીમાં જાહેર મંચ પરથી નીતિન પટેલનું ચોંકાવનારુ નિવેદન, કહ્યુ- ‘ભાજપના નામે કેટલાક લોકો કરે છે દલાલી’
નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું.

રાજ્યમાં ચાલતા કેટલાક કાંડને લઈને નીતિન પટેલે મોટો ધડાકો કર્યો હતો. મળતી જાણકારી અનુસાર ભાજપના નામે કેટલાક લોકો દલાલીના કામ કરતા હોવાનો નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. કડીના ડરણ ગામે નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું. લોકોને સંબોધન કરતા નીતિન પટેલે કહ્યું કે હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા. દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે, ઉમિયા માતાજીના આશીર્વાદ છે.
નીતિન પટેલે રાજકારણમાં દલાલો વધી ગયા હોવાનો દાવો કર્યો હતો. ભાજપના નામે કેટલાક લોકો દલાલી કરી રહ્યા છે. નીતિન પટેલના નિવેદન પર કોંગ્રેસે પણ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ નેતા મનીષ દોશીએ કહ્યું હતું કે ભાજપના અહંકારી શાસના કારણે લૂંટનો કારોબાર વધ્યો છે. ભાજપનો ખેસ નાંખો અને લૂંટનું લાયસન્સ મેળવો. ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે. તમામ વિભાગોમાં ભાજપની એજન્ટ પ્રથા ચાલી રહી છે. ભાજપનો ખેસ એટલે લૂંટવાનો પરવાનો બની ગયો છે. નકલીના કારોબારથી ગુજરાત લૂંટાયું છે. ભાજપના ભ્રષ્ટાચારની કથા નીતિન પટેલે ખોલી નાખી છે.
મોરબીમાં હળવદ પાલિકા ચૂંટણીમાં રાજકારણ ગરમાયું હતું. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ધમકી આપતો હોવાનો મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો છે. કોંગેસના ઉમેદવારો ભયમાં હોવાથી પોલીસ રક્ષણની માંગ કરવામાં આવી છે. બીજી તરફ જેતપુર ભાજપમાં ચાલતા વિખવાદ ચાલી રહ્યો છે. ભાજપના જ નેતાએ જેતપુરમાં ચાલતા ડખાનો ખુલાસો કર્યો હતો. જેતપુરમાં ભાજપના જ નેતા ટિકિટ કાપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સુરેશ સખરેલીયાએ કહ્યું હતું કે જયેશ રાદડિયાનું નીચું દેખાડવાનો પ્રશાંત કોરાટ પ્રયાસ કરી રહ્યા છે. જયેશ રાડદિયા ધારાસભ્ય બનતા પ્રશાંત કોરાટ પરેશાન છે. જયેશ રાદડિયા પર જેતપુરના નાગરિકોને વિશ્વાસ છે. ટિકિટ કાપવામાં પ્રશાંત કોરાટનો હાથ હોવાનો સુરેશ સખરેલીયાએ આરોપ લગાવ્યો હતો.





















