Punjab Congress in-charge: હરીશ રાવતની જગ્યાએ આ નેતા બન્યા પંજાબ કૉંગ્રેસના પ્રભારી
કોંગ્રેસે રાજસ્થાનના કેબિનેટ મંત્રી હરીશ ચૌધરીને પંજાબ અને ચંદીગઢના નવા પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતના સ્થાને પંજાબનો હવાલો સંભાળશે.
નવી દિલ્હી: કોંગ્રેસે રાજસ્થાનના કેબિનેટ મંત્રી હરીશ ચૌધરીને પંજાબ અને ચંદીગઢના નવા પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતના સ્થાને પંજાબનો હવાલો સંભાળશે. રાવતને મહાસચિવ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જોકે તેમને કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ હરીશ ચૌધરીને નિયુક્ત કર્યા છે.
આગામી વર્ષની શરૂઆતમાં ઉત્તરાખંડ અને પંજાબમાં ચૂંટણી
વેણુગોપાલે એમ પણ કહ્યું કે પાર્ટી મહામંત્રી તરીકે હરીશ રાવતના યોગદાનની પ્રશંસા કરે છે. છેલ્લા ઘણા મહિનાઓથી પંજાબ પ્રદેશ કોંગ્રેસમાં ઉથલપાથલની પૃષ્ઠભૂમિમાં, રાવતે તાજેતરમાં જ કોંગ્રેસ હાઇકમાન્ડને વિનંતી કરી હતી કે તેમને રાજ્યના પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે જેથી તેઓ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેમના ગૃહ રાજ્ય ઉત્તરાખંડ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. આગામી વર્ષની શરૂઆતમાં ઉત્તરાખંડ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં મતદાન થશે.
હરીશ રાવતે રાહુલ ગાંધી સાથે કરી હતી મુલાકાત
હરીશ રાવતે 20 ઓક્ટોબરે રાહુલ ગાંધીને મળ્યા બાદ કહ્યું હતું કે, "હું આજે એક મોટી ઉહાપોહમાંથી બહાર નિકળ્યો છું. એક તરફ મારી જન્મભૂમિ માટે કર્તવ્ય અને બીજી બાજુ મારી કર્મભૂમિ પંજાબ માટે મારી સેવાઓ છે. પરિસ્થિતિ જટીલ બની રહી છે, કારણ કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે, બંને જગ્યાએ સંપૂર્ણ સમય આપવો પડશે.
હરીશ ચૌધરી કોણ છે?
હરીશ ચૌધરી રાજસ્થાન સરકારમાં મહેસૂલ મંત્રી છે. તેઓ બાડમેર જિલ્લાના બૈતુ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. 2009 માં હરીશ ચૌધરી બાડમેર-જેસલમેર લોકસભા બેઠક પરથી સાંસદ પણ રહી ચૂક્યા છે. હરીશ ચૌધરીએ પહેલાથી જ પાર્ટીમાં મોટી જવાબદારી લીધી છે.