Coronavirus: દેશના આ 8 રાજ્યોમાં સ્થિતિ ખરાબ, 1 લાખથી વધુ એક્ટિવ કેસ
મોટાભાગના રાજ્યોની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓના બેડ ફુલ છે. નવા દર્દીઓને દાખલ કરવા માટે પરિવારજનોએ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ઓક્સીજનની અછતના કારણે લોકોના ઘરે જ અને હોસ્પિટલમાં મોત થઈ રહ્યા છે. હવે સરકાર તરફથી ઓક્સીજનની અછતને દૂર કરવા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના સોમવારે સાડા ત્રણ લાખથી વધુ નવા કેસ અને 2800થી વધુ મોતના આંકડા જણાવે છે કે દેશમાં સ્થિતિ કેટલી ગંભીર છે. મોટાભાગના રાજ્યોની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓના બેડ ફુલ છે. નવા દર્દીઓને દાખલ કરવા માટે પરિવારજનોએ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ઓક્સીજનની અછતના કારણે લોકોના ઘરે જ અને હોસ્પિટલમાં મોત થઈ રહ્યા છે. હવે સરકાર તરફથી ઓક્સીજનની અછતને દૂર કરવા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે.
સોમવારે દેશમાં 3,52,991 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધી 14.19 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
સંયુક્ત સચિવ (સ્વાસ્થ્ય મંત્રાલય) લવ અગ્રવાલે જણાવ્યું કે, આ સમયે દેશમાં 82 ટકા કોરોના દર્દીઓ સાજા થઈ ગયા છે. આશરે 16.25 ટકા કેસ એટલે કે 28,13,658 કેસ એક્ટિવ છે. તેમણે આગળ કહ્યું કે, કેટલાક રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધુ છે. જેમાં મહારાષ્ટ્ર, યૂપી, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ સામેલ છે. દેશભરમાં અત્યાર સુધી વેક્સિનના 14,19,00,000 ડોઝ આપવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલયમાં અધિક સચિવે જણાવ્યું કે, ભારત ખરીદી અને ભાડા બન્ને આધાર પર વિદેશોથી ઓક્સિજન ટેન્કર મંગાવી રહ્યું છે. ઓક્સિજન ટેન્કરોનું પરિવહન એક મોટો પડકાર છે. રીયલ-ટાઇમ ટ્રેકિંગનો ઉપયોગ કરતા, અમે ઓક્સિજન ટેન્કરોની અવર-જવર પર નજર રાખી રહ્યાં છીએ.
એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ, જે પણ કોવિડ પોઝિટિવ આવે છે તેમાં તે પેનિક થઈ જાય છે કે ક્યાંક બાદમાં ઓક્સિજન અને હોસ્પિટલમાં દાખલ ખવાની જરૂર ન પડે તેથી હું અત્યારે દાખલ થઈ જાવ છું. હોસ્પિટલોની બહાર ભારે ભીડ થાય છે અને જરૂરી દર્દીઓને સારવાર મળતી નથી. તેમણે આગળ કહ્યું કે, આપણે કેસની સંખ્યા ઓછી કરવી પડશે અને હોસ્પિટલના સંસાધનોનો સારો ઉપયોગ કરવો પડશે. ઓક્સિજનનો વિવેકપૂર્ણ ઉપયોગ ખુબ મહત્વપૂર્ણ છે. હાલમાં એક બિનજરૂરી ડર છે.