મહારાષ્ટ્રમાં મેઘતાંડવથી 129 લોકોના મોત, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
એટલુ જ નહી ભુસ્ખલન સિવાય ઘણા લોકો પૂરમાં તણાયા પણ છે.
મહારાષ્ટ્રમાં મેઘતાંડવથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં વરસેલા મૂશળધાર વરસાદથી અલગ અલગ દુર્ઘટના અને ભુસ્ખલનથી 129 લોકોના મૃત્યુ નિપજ્યા છે. તો ભારતીય હવામાન વિભાગે પણ સતારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાક કાંઠા વિસ્તાર કોંકણના રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાની સાથે પશ્ચિમ મહારાષ્ટ્રના પૂણે, સતારા અને કોલ્હાપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પશ્ચિમ મહારાષ્ટ્રના પૂણે મંડળમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરથી લગભગ 84 હજાર 452 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે. જેમાં 40 હજારથી વધુ લોકો કોલ્હાપુર જિલ્લાના છે. પૂણે અને કોલ્હાપુરની સાથે મંડળમાં સાંગલી અને સતારા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ અને ભુસ્ખલનથી સતારા પણ ખુબ જ પ્રભાવિત થયું છે.
રાયગઢ જિલ્લામાં અલગ અલગ ભુસ્ખલનથી 38 લોકોના મૃત્યુ નિપજ્યા છે. મેઘતાંડવની વચ્ચે હવામાન વિભાગે પણ સતારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દીધુ છે. અને આગામી 24 કલાક લોકોને પર્વતીય સ્થળોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકમાં મૃતકોની સંખ્યા વધીને 129 પર પહોંચી ગઈ છે. સૌથી વધુ મૃત્યુ રાયગઢ અને સતારા જિલ્લામાં થઈ છે. એટલુ જ નહી ભુસ્ખલન સિવાય ઘણા લોકો પૂરમાં તણાયા પણ છે.
આ તરફ રત્નાગીરી જિલ્લામાં પણ ભુસ્ખલન થયા બાદ 10 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. એટલુ જ નહી કોલ્હાપુર શહેરની પાસે પંચગંગા નદી 2019માં આવેલ પૂરની સ્થિતિએ વધુ છે. NDRFની અલગ અલગ ટીમો, પોલીસ અને જિલ્લા પ્રશાસને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય થળ સેના અને નૌસેનાની છ ટીમો શનિવાર સવારથી જ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. મહારાષ્ટ્રમાં આવેલા વિનાશક પુરથી 54 ગામ પ્રભાવિત થયા છે. જ્યારે 821 ગામ આંશિક રૂપથી પ્રભાવિત થયા છે. ફક્ત કોલ્હાપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 40 હજાર 882 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે.
તો કોલ્હાપુર જિલ્લામાં પૂરને લીધે 10 રાજ્ય ધોરી માર્ગો સહિત ઓછામાં ઓછા 39 રસ્તાઓ બંધ થઈ ગયા છે. મહારાષ્ટ્ર સરકારે પણ ભુસ્ખલનમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને પાંચ પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.