હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત નહીં, આરોગ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન
ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે તેને તાત્કાલિક દાખલ કરી સારવાર શરુ કરવી, તેનો કોઈ પણ પ્રકારનો કોરોના રિપોર્ટ માંગવાની જરૂર નથી.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 4 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તેની વચ્ચે કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે (Helath ministry) નવી ગાઈડલાઈન જાહેર કરી છે. હવે કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ ( coronavirus test report) બતાવવાની જરૂર નથી.
ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે તેને તાત્કાલિક દાખલ કરી સારવાર શરુ કરવી, તેના કોઈ પણ પ્રકારનો કોરોના રિપોર્ટ માંગવાની જરૂર નથી. જેનામાં કોરોનાના લક્ષણ હોય અને તેની પાસે કોવિડ 19 પોઝિટિવ રિપોર્ટ ના હોય તો તેને શંકાસ્પદ તરીકે વોર્ડમાં દાખલ કરવામાં આવે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, કોઈ પણ સ્થિતિમાં દર્દીને દાખલ કરવાનો ઈનકાર કરી શકાય નહીં. સૌપ્રથમ દર્દીને દાખલ કરી તેના બાદ સંદિગ્ધ દર્દીનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે. ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ તેની સારવાર કોરોના સંદિગ્ધ વોર્ડમાં રાખવામાં આવે. કોઈ પણ દર્દી કોઈ પણ શહેરની હોસ્પિટલમાં દાખલ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, કોઈ પણ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં દર્દીને દાખલ કરવા માટે કોરોના પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત છે. એવામાં કેટલાક ગંભીર સ્થિતિવાળા દર્દી હોસ્પિટલમાં દાખલ થવા આવે છે ત્યારે તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ માંગવામાં આવે છે. એવામાં જેની પાસે કોરોના પોઝિટિવ રિપોર્ટ ના હોય તેને હોસ્પિટલ દાખલ કરવાનો ઈનકાર કરી દે છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,078 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4187 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,18,609 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 18 લાખ 92 હજાર 676
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 79 લાખ 30 હજાર 960
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 23 હજાર 446
કુલ મોત - 2 લાખ 38 હજાર 270