Himachal : સુખવિંદર સિંહ સુખુ કેટલા શક્તિશાળી અને કેમ બનાવાયા CM? જાણો ઈનસાઈડ સ્ટોરી
સુખવિન્દર સિંહની ઉમેદવારી પણ મજબૂત છે કારણ કે તેમના સમર્થનમાં ઘણા ધારાસભ્યો છે અને કોંગ્રેસ ધારાસભ્યોને ગુમાવવાનું પરવડે તેમ નથી. સુખવિંદર સિંહને મુખ્યમંત્રી બનાવવા પાછળ એક કારણ એ પણ છે.
Who is Sukhwinder Singh Sukhu : હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે આખરે સુખવિંદર સિંહ સુખુના માથે કળશ ઢોળવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી માટે તેમના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. સુખવિંદર સિંહને મુખ્યમંત્રી બનાવવાના કેટલાક મજબુત કારણ છે. તેઓ છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તે ઉપરાંત હાઈકમાન્ડ અને સંગઠનમાં તેમની ઊંડી પહોંચ છે. રાજ્યનો કોઈ પણ કોંગી નેતા આ વાતનો ઈન્કાર ના કરી શકે. તેવી જ રીતે રાજ્યના લોકો પણ તેમને ખૂબ માન આપે છે.
સુખવિન્દર સિંહની ઉમેદવારી પણ મજબૂત છે કારણ કે તેમના સમર્થનમાં ઘણા ધારાસભ્યો છે અને કોંગ્રેસ ધારાસભ્યોને ગુમાવવાનું પરવડે તેમ નથી. સુખવિંદર સિંહને મુખ્યમંત્રી બનાવવા પાછળ એક કારણ એ પણ છે કે, તેઓ ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. તેમની રાજકીય સફરની વાત કરીએ તો તેમણે કોંગ્રેસ સંગઠનમાં NSUI સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી અને 7 વર્ષ સુધી NSUIના પ્રદેશ પ્રમુખ હતા.
ભણતા ભણતા જ શરૂ કરી હતી રાજકીય સફર
હમીરપુર જિલ્લાના નાદૌનનો રહેવાસી સુખુ કાયદાની ડિગ્રી મેળવ્યા બાદ જ વિદ્યાર્થી રાજકારણમાં જોડાઈ ગયા હતા. તેમણે તેમની રાજકીય કારકિર્દી NSUIથી શરૂ કરી હતી અને સંજોલી કોલેજમાં CR અને SCAના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓ સરકારી કોલેજ સંજૌલીમાં SCAના પ્રમુખ તરીકે ચૂંટાયા હતાં. 1988 થી 1995 સુધી એટલે કે 7 વર્ષ NSUIના પ્રદેશ પ્રમુખ રહ્યાં હતાં.
સુખવિંદર સિંહને કેમ મળ્યું પ્રચંડ સમર્થન?
રાજકીય હલચલ વચ્ચે જ સુખવિંદર સિંહ ધારાસભ્યોના સતત સંપર્કમાં હતાં. તેમણે લગભગ 20 થી 21 ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ચાર દાયકાથી પક્ષ સાથે જોડાયેલા હોવાથી સુખવિંદર સિંહ માટે ધારાસભ્યોનું સમર્થન મેળવવું સરળ રહ્યું હતું. માટે જ સુખવિંદર સિંહ પર પક્ષના ધારાસભ્યોએ તેમના પર વિશ્વાસ મુકવાનું એક મોટું કારણ હતું. તે રાજ્યમાં એટલા કદ્દાવર નેતા છે કે, વીરભદ્ર સિંહનો વિરોધ કરવા છતાંયે તેમને નજર અંદાજ નહોતા કરી શકાયા.
સુખુને તાકાતનો આ છે જીવતો જાગતો પુરાવો
સુખુ ભલે દાયકાઓથી કોંગ્રેસમાં હોય પરંતુ તેમને હંમેશા વીરભદ્ર સિંહના વિરોધી જૂથના નેતા કહેવામાં આવે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરભદ્ર સિંહના વિરોધ છતાં તેમને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 10 વર્ષ સુધી યુથ કોંગ્રેસમાં રહ્યા બાદ જ્યારે તેઓ હમીરપુર જિલ્લાના નાદૌનથી વિધાનસભા ચૂંટણી લડ્યા ત્યારે તેઓ વીરભદ્ર સિંહના અનેક નિર્ણયોની ઉપરવટ ગયા હતાં. જો કે, તેઓ આ ચૂંટણી પણ લડ્યા હતા અને જીત્યા પણ હતા. આ સાથે તેઓ સાડા 6 વર્ષ સમય સુધી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા જે એક વિક્રમ છે. ત્રણ વર્ષ પહેલા જ તેમને આ પદ પરથી હટાવવામાં આવ્યા હતા. જોકે ચૂંટણી પહેલા હાઈકમાન્ડે તેમને રાજ્ય ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા.
પોતાના ગૃહ જિલ્લા હમીરપુરમાં સુખુએ પહેલીવાર પાંચમાંથી ચાર બેઠકો કોંગ્રેસની ઝોળીમાં નાખી હતી. અપક્ષ ઉમેદવારની જીત સાથે આ સીટ સંપૂર્ણપણે ભાજપ મુક્ત થઈ ગઈ હતી. પાર્ટીમાં તેમની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવે છે. લોકોમાં પણ તેમની ખાસ્સી પકડ છે. લોઅર હિમાચલથી આવતા હોવાનું પણ તેમના પક્ષમાં મનાય છે. કારણ કે અત્યાર સુધી અહીંથી કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી બન્યું નથી.