શોધખોળ કરો
જો પાકિસ્તાન ફાયર કરશે તો ભારત ગોળીઓનો હિસાબ નહિ રાખે: રાજનાથ સિંહ

રાંચી: શનિવારે જમ્મુ-કશ્મીરના પેમ્પોરમાં થયેલા આતંકવાદી હુમલામાં આઠ જવાનો શહીદ થયા હતા. જેના સંદર્ભે વાત કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે આપણે પહેલી ગોળી નહીં ચલાવીએ પરંતુ જો પાકિસ્તાન ફાયર કરશે તો કેટલી ગોળી ચાલી તેનો હિસાબ નહીં રાખીએ. રાંચીમાં એક રેલીનું સંબોધન કરતા રાજનાથ સિંહે આશ્વાસન આપ્યુ હતું કે હાલની સરકાર ત્રાસવાદને ખતમ કરવા સક્ષમ છે. આપણે આતંકવાદ સામે વિજય મેળવશું. એ વાત સાચી છે કે આપણા પડોશી દેશની હરકતો યોગ્ય નથી. આપણે પહેલો હુમલો નહિ કરીએ. પણ જો શરૂઆત પાકિસ્તાને કરી તો આપણે ગોળીઓનો હિસાબ નહિ રાખીએ. સીઆરપીએફની કામગીરીની પ્રશંસા કરતા રાજનાથ સિંહે કહ્યું કે, સીઆરપીએફએ બહાદુરીથી લડત આપી છે તેમાં કોઈ શંકા નથી. આતંકવાદીઓએ એ બસને નિશાન બનાવી હતી જેમાં સીઆરપીએફ જવાનો હતા. પણ આપણા જવાનોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. તે સાથે જ આ હુમલામાં આપણા આઠ સીઆરપીએફ જવાનોના શહીદ થયા તે વાતનું દુખ છે. શનિવારે પેમ્પોરમાં સીઆરપીએફના કાફલા પર હુમલાની જવાબદારી પાકિસ્તાની સંગઠન લશ્કર-એ-તૈબાએ લીધી હતી. ગૃહમંત્રીએ બે સભ્યોની ટીમને તપાસ માટે મોકલશે. શનિવારનો હુમલો આ મહિનાનો જમ્મુ-કશ્મીરમાં કરવામાં આવેલો ચોથો હુમલો છે. છેલ્લા ત્રણ મોટા હુમલામાં 17 જેટલા જવાનો શહીદ થયા છે જ્યારે ઘણાને ઈજા પહોંચી છે.
વધુ વાંચો





















