Independence Day: 9 એન્ટી ડ્રોન, 300 CCTV, 5000 જવાન, 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર આવી હશે સુરક્ષા વ્યવસ્થા
લાલ કિલ્લાની આસપાસ 9 એન્ટી ડ્રોન રડાર તૈયાર કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી: હવેથી થોડા કલાકો બાદ ભારત આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાના પ્રાંગણ પરથી તિરંગો ફરકાવશે. આ જશ્ન-એ-આઝાદીને કોઈ ખલેલ ન પહોંચાડે તે માટે આખી દિલ્હી છાવણીમાં ફેરવાઈ ગઈ છે. લાલ કિલ્લાની આસપાસ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. લાલ કિલ્લાની આસપાસ સુરક્ષાનો એટલો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે કે પક્ષી પણ ત્યાં ફરકી નહીં શકે.
લાલ કિલ્લાની આસપાસ 9 એન્ટી ડ્રોન રડાર તૈયાર કરવામાં આવ્યા છે. ચહેરાની ઓળખ સાથે 300 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેથી દરેક ચહેરાની વિગતો રાખી શકાય. લાલ કિલ્લાના મુખ્ય દરવાજાની બહાર મોટા કન્ટેનર મુકવામાં આવ્યા છે, જેથી લાલ કિલ્લો સામેથી ન જોઈ શકાય. લગભગ 15 થી 20 કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 5000 સૈનિકો માત્ર લાલ કિલ્લાની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય સમગ્ર દિલ્હીમાં 40 હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. સાવચેતીના ભાગરૂપે દિલ્હીની તમામ સરહદો કાં તો બંધ કરી દેવામાં આવી છે અથવા તો સુરક્ષા કડક કરવામાં આવી છે. દરેક વાહન પર ચોકસાઈથી નજર રાખવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળો, એનએસજી કમાન્ડો અને એસપીજીના જવાનો પણ સુરક્ષામાં કોઈ કમી ન રહે તે માટે તૈનાત રહેશે. ઊંચી ઇમારતો પર સ્નાઇપર્સ તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય સરકારી ઇમારતોમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે.
ખાલિસ્તાની આતંકવાદીઓનો ખતરો
15 ઓગસ્ટના રોજ સુરક્ષા એજન્સીઓએ પહેલેથી જ એલર્ટ જાહેર કર્યું છે. ખેડૂતોના આંદોલન અને ખાલિસ્તાની આતંકવાદીઓની ધમકીઓને જોતા દિલ્હી પોલીસે આ પગલું ભર્યું છે. દિલ્હી પોલીસે લાલ કિલ્લાની આસપાસ આતંકવાદીઓના પોસ્ટરો પણ ચોંટાડી દીધા છે. પોસ્ટરમાં છ આતંકવાદીઓના ફોટા મૂકીને તેમના નામ અને સરનામા પણ લખવામાં આવ્યા છે.
આ વર્ષે કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદ પર બેઠેલા ખેડૂતો પોલીસ માટે મોટો પડકાર છે. અગાઉ 26 જાન્યુઆરીએ ખેડૂતોના આંદોલન દરમિયાન ઉગ્ર હિંસા થઈ હતી. જેના કારણે આ વખતે શક્ય એટલા પ્રયત્ન છે કે કોઈપણ બેદરકારી રાખવામાં ન આવે. જોકે 15 ઓગસ્ટના રોજ દિલ્હી હંમેશા હાઈ એલર્ટ પર હોય છે.