India Lockdown: દેશનાં ક્યાં ક્યાં રાજ્યોમાં આજથી બે દિવસનું લોકડાઉન ?
દેશમાં સતત ત્રીજા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત ત્રીજા દિવસે પણ 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત ત્રીજા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત ત્રીજા દિવસે પણ 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 17 લાખ જેટલો થવા આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા દેશના ઘણા રાજ્યોમાં આજથી બે દિવસનું લોકડાઉન નાંખવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રઃ દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં 1 મે સુધી 15 દિવસનું મિનિ લોકડાઉન નાંખવામાં આવ્યું છે. ભીડને રોકવા રાજ્યમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જરૂરી ચીજોને બાદ કરતાં તમામ ચીજો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
ચંદીગઢઃ કોરોનાના વધતાં મામલાને લઈ ચંદીગઢમાં વીકેંડ લોકડાઉન છે. ચંદીગઢ પ્રશાસને શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે પાંચ વાગ્યા સુધી લોકડાઉન લગાવ્યું છે. આ દરમિયાન જરૂરી સેવાઓને છૂટ રહેશે.
દિલ્હીઃ દિલ્હીમાં કરોનાનો કહેર રોકવા 56 કલાકનો કરફયૂ લગાવાયો છે. જે વ્યક્તિ જરૂરી સેવા અર્થે બહાર નીકળ્યો છે તેમ સાબિત નહીં કરી શકે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે.
રાજસ્થાનઃ કોરોના વાયરસનો કહેર તાં રાજસ્થાનમાં શુક્રવારે સાંજે છ વાગ્યાથી સોમવારે સવારે પાંચ વાગ્યા સુધી કરફયૂ નાંખવામાં આવ્યો છે. જરૂરી સેવાઓને બાદ કરતાં કોઈપણ પ્રકારની ગતિવિધિને છૂટ નહીં હોય.
ઓડિશાઃ કોરોના વાયરસના વધતા મામલાને લઈ ઓડિશાના 10 જિલ્લામાં વીકેંડ લોકડાઉન લગાવાયું છે. આ તમામ જિલ્લા છત્તીસગઢ બોર્ડર સાથે સંકળાયેલા છે. 17 એપ્રિલથી વીકેંડ લોકડાઉનની સાથે નાઈટ કરફયૂ પણ રહેશે.
છત્તીસગઢઃ રાજ્યના સુકમા, દુર્ગ, બીજાપુરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસ વધતાં યોગી સરકારે રવિવારે લોકડાઉન લગાવ્યું છે. રવિવારે તમામ જિલ્લાની બજારોને સેનિટાઈઝ કરાશે.
મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં પણ કોરોના કરફ્યૂ છે. જરૂરિયાતની સેવાઓને બાદ કરતાં તમામ પ્રકારની ગતિવિધિ પર પ્રતિબંધ છે. મહારાષ્ટ્રથી આવતાં લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત છે.