પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી
પેટ્રોલિયમ ઉત્પાદનમાં દેશની અગ્રણી સરકારી કંપની ઇન્ડિયન ઓઇલે છેલ્લા નાણાકીય વર્ષમાં રેકોર્ડ બ્રેક નફો કર્યો છે.
Indian Oil Profit: પેટ્રોલિયમ ઉત્પાદનમાં દેશની અગ્રણી સરકારી કંપની ઇન્ડિયન ઓઇલે છેલ્લા નાણાકીય વર્ષમાં રેકોર્ડ બ્રેક નફો કર્યો છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં કંપનીએ 24,184 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. આ આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે લોકો પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના આસમાને પહોંચી રહેલા ભાવથી પરેશાન છે અને ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે.
ઇન્ડિયન ઓઇલે 31 માર્ચે પૂરા થયેલા છેલ્લા નાણાકીય વર્ષ 2021-22 માટે તેની આવકનું સરવૈયું રજૂ કર્યું હતું. આ ડેટા પ્રમાણે, 2021-22માં કંપનીએ કુલ આવક અને નફાના સંદર્ભમાં રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષે કંપનીએ કુલ રૂ. 7,28,460 કરોડની આવક કરી છે, જે તેના પાછલા વર્ષ (2020-21)માં રૂ. 5,14,890 કરોડ હતી.
ઈન્ડિયન ઓઈલને કેટલો નફો થયો?
કંપનીએ નફાના મામલે પણ રેકોર્ડ બનાવ્યો છે. 2021-22માં કંપનીનો કુલ નફો રૂ. 24,184 કરોડ હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ નફો છે. 2020-21માં કંપનીનો કુલ નફો 21,836 કરોડ રૂપિયા હતો એટલે કે આ વર્ષે લગભગ 2300 કરોડ રૂપિયા વધુ નફો થયો છે. જો કે, 2020-21ના છેલ્લા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)ની તુલનામાં 2021-22ના છેલ્લા ક્વાર્ટરમાં આવકમાં વધારો થયો હોવા છતાં, કંપનીના નફામાં ઘટાડો થયો છે.
વિપક્ષ સતત સરકાર પર પેટ્રોલ અને ડીઝલ દ્વારા નફો કમાવાનો આરોપ લગાવી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલમાં આસમાને છે. ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગઈ છે. તે જ સમયે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત પ્રતિ સિલિન્ડર 1000 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં આ આંકડા વિપક્ષને સરકાર પર પ્રહાર કરવાની બીજી તક આપશે.
આ પણ વાંચોઃ