Indus Water Treaty: 'સિંધુ જળ સંધિ'માં સંશોધન માટે ભારતે પાકિસ્તાનને આપી નોટિસ, કહ્યુ- અમને મજબૂર કરવામાં આવ્યા
ભારતે સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સંધિમાં સુધારા માટે પાકિસ્તાનને નોટિસ જાહેર કરી છે.
India Pakistan IWT: ભારતે સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સંધિમાં સુધારા માટે પાકિસ્તાનને નોટિસ જાહેર કરી છે. સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે IWTની કલમ XII (3) મુજબ નોટિસ 25 જાન્યુઆરીએ સિંધુ જળ માટે સંબંધિત કમિશનરો દ્વારા આપવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના પગલાંએ IWTની જોગવાઈઓ અને તેના અમલીકરણ પર પ્રતિકૂળ અસર કરી છે અને ભારતને IWT ના સંશોધન બદલ યોગ્ય નોટિસ જાહેર કરવાની ફરજ પાડી છે.
Pakistan's intransigence on Indus Waters Treaty causes India to issue notice for modification of Treaty
— ANI Digital (@ani_digital) January 27, 2023
Read @ANI Story https://t.co/DkpnQzwslG#IndusWatersTreaty #India #Pakistan pic.twitter.com/1C7dWhztAU
સૂત્રોના જણાવ્યા અનુસાર, 2015માં પાકિસ્તાને ભારતના કિશનગંગા અને રાતલે હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ (HEP) પરના તેના ટેકનિકલ વાંધાઓની તપાસ કરવા માટે તટસ્થ નિષ્ણાતની નિમણૂક માટે વિનંતી કરી હતી. 2016 માં પાકિસ્તાને એકપક્ષીય રીતે વિનંતી પાછી ખેંચી લીધી અને દરખાસ્ત કરી કે મધ્યસ્થતા કોર્ટ તેના વાંધાઓ પર નિર્ણય કરે.
પાકિસ્તાન IWTનું ઉલ્લંઘન કરે છે
સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાનની આ એકપક્ષીય કાર્યવાહી IWTની કલમ IXનું ઉલ્લંઘન છે. ઉપરાંત ભારતે આ મામલાને તટસ્થ નિષ્ણાત પાસે મોકલવા માટે એક અલગ વિનંતી કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે એક જ પ્રશ્ન પર એકસાથે બે પ્રક્રિયાઓની શરૂઆત અને તેમના અસંગત અથવા વિરોધાભાસી પરિણામોની શક્યતા અભૂતપૂર્વ અને કાયદેસર રીતે અસમર્થ પરિસ્થિતિનું સર્જન કરે છે, જે IWTને જ જોખમમાં મૂકે છે. આ જ કારણ છે કે વિશ્વ બેંકે 2016માં તેનો સ્વીકાર કર્યો અને બે સમાંતર પ્રક્રિયાઓની શરૂઆત રોકવાનો નિર્ણય કર્યો. સાથે જ ભારત અને પાકિસ્તાનને આ પરિસ્થિતિમાંથી સૌહાર્દપૂર્ણ રીતે બહાર નીકળવા વિનંતી કરી હતી.
પાકિસ્તાન પાસે પોતાની ભૂલ સુધારવાની તક છે
સૂત્રએ જણાવ્યું હતું કે ભારત પરસ્પર રીતે માર્ગ શોધવા માટે વારંવાર પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાને 2017 થી 2022 સુધીની સ્થાયી સિંધુ કમિશનની પાંચ બેઠકો દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે હવે સુધારા માટેની નોટિસનો હેતુ પાકિસ્તાનને IWTના ભૌતિક ઉલ્લંઘનોને સુધારવા માટે 90 દિવસની અંદર વાટાઘાટો કરવાની તક પૂરી પાડવાનો છે. આ પ્રક્રિયા છેલ્લા 62 વર્ષોમાં શીખેલા પાઠને સામેલ કરવા માટે IWT ને પણ અપડેટ કરશે.
સિંધુ જળ સંધિ શું છે?
ભારત અને પાકિસ્તાને 19 સપ્ટેમ્બર, 1960ના રોજ સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. સંધિની જોગવાઈઓ હેઠળ સતલજ, બિયાસ અને રાવીનું પાણી ભારતને આપવામાં આવ્યું હતું. જ્યારે સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાનને આપવામાં આવ્યું હતું. વિશ્વ બેંક પણ આ કરાર પર સિગ્નેટરી છે. કરાર હેઠળ બંને દેશોના જળ કમિશનરોએ વર્ષમાં બે વાર મળવાનું હોય છે અને પ્રોજેક્ટ સાઇટ્સ અને મહત્વપૂર્ણ નદીના હેડવર્ક્સની તકનીકી મુલાકાત ગોઠવવાની હોય છે. જો કે, પાકિસ્તાને છેલ્લી પાંચ બેઠક દરમિયાન આ મુદ્દે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો.