પોલિસી લેતા સમયે દારૂ પીવાની વાત છૂપાવી, સુપ્રીમ કોર્ટે હેલ્થ ક્લેમનો દાવો ના માન્યો
પોલિસી લેનાર વ્યક્તિનું એક મહિના સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ મૃત્યુ થયું હતું. વીમા કંપનીએ તે પુરુષની પત્નીનો દાવો એ આધાર પર નકારી કાઢ્યો હતો કે તેણે તેની દારૂ પીવાની આદતો વિશે માહિતી છુપાવી હતી.

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે જો પોલિસીધારકે પોલિસી ખરીદતી વખતે દારૂ પીવાની આદત છૂપાવી હોય તો વીમા કંપનીઓ દારૂ સંબંધિત હેલ્થ ક્લેમ નકારી શકે છે. કોર્ટે પોતાના ચુકાદામાં કંપનીના એ નિર્ણયનો સ્વીકાર કર્યો હતો જેમાં કંપનીની યોજના હેઠળ એક પોલિસીધારકના હોસ્પિટલમાં ભરતી થવા દરમિયાનના ક્લેમને નકારી દેવામાં આવ્યો હતો. તેણે પોતાની દારૂ પીવાની આદત વિશે ખોટી માહિતી આપી હતી.
વીમા કંપનીએ ક્લેમ ફગાવ્યો
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથના નેતૃત્વ હેઠળની બેન્ચે રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચના આદેશ સામે વીમા કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર વિચાર કર્યા પછી 3 માર્ચે ચુકાદો આપ્યો હતો. વીમા કંપનીને 5,21,650 અને અન્ય ખર્ચ ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પોલિસી લેનાર વ્યક્તિનું એક મહિના સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ મૃત્યુ થયું હતું. વીમા કંપનીએ તે પુરુષની પત્નીનો દાવો એ આધાર પર નકારી કાઢ્યો હતો કે તેણે તેની દારૂ પીવાની આદતો વિશે માહિતી છુપાવી હતી.
કોર્ટે 'જીવન આરોગ્ય' યોજના હેઠળ એક પોલિસીધારકના હોસ્પિટલાઇઝેશન ખર્ચની ભરપાઈ ન કરવાના ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના નિર્ણયને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે દારૂના વ્યસનનો ખુલાસો કરવો જરૂરી છે. LIC એ દલીલ કરી હતી કે પોલિસીધારકે પોતાની દારૂ પીવાની આદતો ખોટી રીતે રજૂ કરી હતી.
આ કિસ્સામાં એક વ્યક્તિએ 2013માં 'જીવન આરોગ્ય' પોલિસી ખરીદી હતી. પોલિસી હેઠળ જો પોલિસીધારકને નોન-ICU માં દાખલ કરવામાં આવે તો LIC એ હોસ્પિટલમાં દરરોજ 1,000 અને જો તેને ICU માં દાખલ કરવામાં આવે તો દરરોજ 2,000 રૂપિયા ચૂકવવા પડતા હતા. પોલિસી ખરીદ્યાના એક વર્ષ પછી તેમને પેટમાં તીવ્ર દુખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને એક મહિનાની અંદર તેમનું અવસાન થયું હતું. પોલિસીધારકની પત્નીએ LIC માં દાવો દાખલ કર્યો હતો. પરંતુ LIC એ દાવો ફગાવી દીધો હતો. એલઆઈસીએ જણાવ્યું હતું કે મૃતકે તેના લાંબા સમયથી દારૂના વ્યસન વિશે માહિતી છૂપાવી હતી.
'જીવન આરોગ્ય યોજના'ના ક્લોઝ 7(xi) ને ટાંકીને LIC એ જણાવ્યું હતું કે આ યોજના "આત્મ-નુકસાન, આત્મહત્યાનો પ્રયાસ અને કોઈપણ માદક દ્રવ્યો અથવા દારૂનો ઉપયોગ અથવા દુરુપયોગ અને તેનાથી ઉત્પન્ન જટિલતાઓને કવર કરતી નથી.
મેડિક્લેમના પૈસા કાપી શકાતા નથી: હાઇકોર્ટ
બોમ્બે હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે મેડિકલેમ પોલિસી હેઠળ વ્યક્તિને મળેલા પૈસા મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ હેઠળ દાવેદારને તબીબી ખર્ચ માટે ચૂકવવાપાત્ર વળતરની રકમમાંથી કાપી શકાતા નથી. કોર્ટે કહ્યું કે મેડિકલેમ પોલિસી હેઠળ દાવેદાર અને વીમા કંપની વચ્ચેના કરાર મુજબ પૈસા પ્રાપ્ત થાય છે.





















