હનીમૂન પર ફિલ્મ જોવા પહોંચ્યુ કપલ, ઇન્ટરવલમાં પતિને છોડીને ફરાર થઇ પત્ની, બહાર આવ્યું ચોંકાવનારુ કારણ
રાજસ્થાનના જયપુરમાંથી એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે
રાજસ્થાનના જયપુરમાંથી એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિ તેની પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પોલીસ પાસે ગયો હતો. તેણે કહ્યું હતું કે બંને થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા. ઈન્ટરવલ દરમિયાન તે ખાવા-પીવાની વસ્તુઓ ખરીદવા ગયો હતો. પરંતુ જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેની પત્ની ત્યાંથી ગુમ થઇ ગઇ હતી.
પતિની ફરિયાદ બાદ પોલીસ હજુ પરિણીત મહિલાને શોધી રહી હતી ત્યાં યુવતી પોતે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. તેણે કહ્યું કે તે આ લગ્નથી ખુશ નથી. એટલા માટે તે તેના પતિને છોડીને થિયેટરમાંથી ભાગી ગઈ હતી.
વાસ્તવમાં સીકરનો યુવક 3જી જૂને એટલે કે લગ્નના 7 દિવસ બાદ તેની પત્ની સાથે હનીમૂન માટે જયપુર આવ્યો હતો. અહીં તેણે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. પછી પિંક સ્ક્વેર મોલમાં પત્ની સાથે મૂવી જોવાનો પ્લાન બનાવ્યો. તેણે બપોરે 12 વાગ્યાના શો માટે ટિકિટ બુક કરાવી હતી.
ત્યારબાદ પતિ-પત્ની ફિલ્મ જોવા ગયા હતા. જ્યારે ફિલ્મનો ઇન્ટરવલ પડ્યો ત્યારે પતિ તેની પત્ની માટે ખાવા-પીવાની વસ્તુઓ ખરીદવા ગયો હતો. દરમિયાન તેની પત્ની તેને થિયેટરમાં જ એકલો છોડીને ભાગી ગઇ હતી. પતિ પાછો ફર્યો તો તેણે જોયું કે તેની પત્ની ત્યાં નથી જેથી તે ચોંકી ઉઠ્યો હતો. તેણે થિયેટરમાં અને મોલમાં તેની પત્નીની શોધ કરી હતી પરંતુ તેણી ક્યાંય મળી નહોતી.
તેણે પત્નીને ઘણી વાર ફોન કર્યો પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. અનિચ્છનીય બનાવના ડરથી 33 વર્ષીય પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેણે આખી વાત પોલીસને જણાવી અને તેની પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સામે આવ્યો ચોંકાવનારો ટ્વિસ્ટ
ત્યારે સમગ્ર મામલામાં વધુ એક વળાંક આવ્યો હતો. થિયેટર્સમાંથી ભાગી ગયેલી યુવતી થોડા કલાકો પછી જયપુરના શાહપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેણે કહ્યું કે તે આ લગ્નથી ખુશ નથી, તેથી તેને થિયેટર્સમાં તક મળી કે તે તરત જ પતિને છોડીને ત્યાંથી ભાગી ગઇ હતી. આ પછી તે બસમાં બેસીને તેના ઘર શાહપુરા આવી હતી. યુવતી મળ્યા બાદ શાહપુરા પોલીસે આદર્શનગર પોલીસને જાણ કરી હતી. હવે બંને પરિવાર યુવતીને મનાવવામાં વ્યસ્ત છે.