Jammu Kashmir: નાપાક ષડયંત્ર નિષ્ફળ, આર્મીએ 24 કલાકમાં 5 આતંકી ઠાર કર્યા, 30 કિલો IED મળ્યો
જમ્મુ-કાશ્મીરમાં કાઉન્ટર આતંકવાદી ઓપરેશન ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં, બડગામ અને રાજૌરીમાં બે અલગ-અલગ ઓપરેશનમાં કુલ 5 આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો
Jammu Kashmir Terrorist Encounter: જમ્મુ-કાશ્મીરમાં કાઉન્ટર આતંકવાદી ઓપરેશન ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં, બડગામ અને રાજૌરીમાં બે અલગ-અલગ ઓપરેશનમાં કુલ 5 આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો અને 30 કિલો IED જપ્ત કરવામાં આવ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં 36 વિદેશી આતંકવાદીઓ સહિત 136 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આજે સવારે એક શંકાસ્પદ આત્મઘાતી જૂથે આર્મી કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને પછી શરુ થયેલા એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. દુર્ભાગ્યવશ આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોના ત્રણ જવાન શહીદ થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, હુમલામાં અન્ય બે જવાન પણ ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) મુકેશ સિંહે કહ્યું કે, “આતંકવાદીઓએ પરગલમાં આર્મી કેમ્પની ફેન્સ ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો. જવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે."
બડગામમાં ત્રણ આતંકવાદીઓ ઠારઃ
આ પહેલાં બુધવારે બડગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ જિલ્લાના ખાનસાહિબ વિસ્તારમાં વોટરહોલમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાયું હતું. વોન્ટેડ આતંકવાદી લતીફ રાથેર સહિત લશ્કરના ત્રણ આતંકવાદીઓને એન્કાઉન્ટર સ્થળ પર ઘેરી લેવામાં આવ્યા હતા. આતંકીઓ પાસેથી આપત્તિજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. આ આતંકવાદી લતીફ થોડા સમય પહેલાં થયેલી રાહુલ ભટ અને અમરીન ભટ સહિત અનેક નાગરિકોની હત્યામાં સંડોવાયેલ છે.
રાજૌરીમાં ત્રણ જવાનો શહીદ થયાઃ
રાજૌરીમાં થયેલા હુમલા અંગે એડીજીપી મુકેશ સિંહે કહ્યું કે, સુબેદાર રાજેન્દ્ર પ્રસાદ, રાઈફલમેન મનોજ કુમાર અને રાઈફલમેન લક્ષ્મણન ડી એ ઓપરેશન દરમિયાન રાજૌરીમાં આત્મઘાતી હુમલામાં 2 આતંકીઓને ઠાર કરીને સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. દરહાલ પોલીસ સ્ટેશનથી લગભગ 6 કિલોમીટર દૂર સ્થિત આ આર્મી કેમ્પમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી છે. રાજૌરીના એસએસપી મોહમ્મદ અસલમે કહ્યું કે, આતંકવાદીઓએ ગઈકાલે રાત્રે લગભગ 3.30 વાગ્યે પોસ્ટ પર ગ્રેનેડ ફેંક્યો અને કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સેનાના જવાનોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. 3 જવાનો પણ શહીદ થયા હતા. કેમ્પમાં ઘુસવાનો પ્રયત્ન કરનાર આ આતંકીઓ વિદેશી આતંકવાદી જેવા દેખાય છે.