Mohali Murder: સિદ્ધુ મૂસેવાલાનો બદલો? કબડ્ડી ખેલાડીની ચાલુ મેચમાં હત્યા, બંબીહા ગેંગે લીધી જવાબદારી
kabaddi player shot: રાણા બાલાચૌરિયા લોરેન્સ બિશ્નોઈ માટે કામ કરતો હોવાનો આરોપ, સોશિયલ મીડિયા પોસ્ટથી ખળભળાટ.

kabaddi player shot: પંજાબના મોહાલીમાં રવિવારે સાંજે રમાઈ રહેલી કબડ્ડી ટુર્નામેન્ટ લોહિયાળ બની હતી. હજારો પ્રેક્ષકોની હાજરીમાં આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી કંવર દિગ્વિજય સિંહ ઉર્ફે રાણા બાલાચૌરિયાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ દવિંદર બાલાચૌરિયા ગેંગ (બંબીહા ગ્રુપ) એ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને હત્યાની જવાબદારી સ્વીકારી છે અને દાવો કર્યો છે કે આ હત્યા દિવંગત ગાયક સિદ્ધુ મૂસેવાલાના મોતનો બદલો છે, કારણ કે મૃતક હરીફ ગેંગ સાથે સંકળાયેલો હતો.
મોહાલીના સોહાના વિસ્તારમાં એક ખાનગી શાળાની સામે આવેલા મેદાનમાં કબડ્ડી ટુર્નામેન્ટ ચાલી રહી હતી. આ રોમાંચક મેચ જોવા માટે હજારો લોકોની ભીડ જામી હતી. તે સમયે અચાનક એક સફેદ રંગની બોલેરો કાર ત્યાં આવી પહોંચી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, તેમાંથી ઉતરેલા બે અજાણ્યા શખ્સોએ રાણા બાલાચૌરિયા પર તાબડતોબ ગોળીબાર શરૂ કરી દીધો હતો. અંધાધૂંધ ફાયરિંગમાં રાણા ગંભીર રીતે ઘાયલ થઈને જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટનાને પગલે મેદાનમાં નાસભાગ મચી ગઈ હતી.
લોહીલુહાણ હાલતમાં રાણાને તાત્કાલિક મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ પ્રશાસને સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "15 ડિસેમ્બર, 2025 ના રોજ સાંજે 6:05 વાગ્યે 30 વર્ષીય ખેલાડી કંવર દિગ્વિજય સિંહને ગોળી વાગવાથી થયેલી ગંભીર ઈજાઓ સાથે અહીં લાવવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું."
#WATCH | Mohali, Punjab: Police and other security forces reach the spot as unidentified motorcycle-borne assailants open indiscriminate fire at the Kabaddi Tournament in Sector 79.
— ANI (@ANI) December 15, 2025
SSP Harmandeep Singh Hans says, "A kabaddi match was taking place in Sohana. 2 or 3 people… pic.twitter.com/T0FOkHQ7oo
આ હત્યાકાંડ બાદ તરત જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેણે પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. 'ગોપી ઘનશ્યામપુરિયા' નામના ફેસબુક એકાઉન્ટ પરથી દવિંદર બાલાચૌરિયા ગેંગે આ હત્યાની જવાબદારી લીધી છે. ગેંગનો દાવો છે કે રાણા બાલાચૌરિયા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ માટે કામ કરતો હતો. પોસ્ટમાં એવો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે સિદ્ધુ મૂસેવાલાના હત્યારાઓને છુપાવવામાં અને રહેવાની વ્યવસ્થા કરવામાં રાણાએ મદદ કરી હતી. તેથી, આ હત્યા મૂસેવાલાના મોતનો બદલો લેવા માટે કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતા જ મોહાલીના એસએસપી (SSP) હરમનદીપ સિંહ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મૃતક મૂળ નવાશહેરનો વતની હતો અને ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવ્યો હતો. જાહેરમાં બનેલી આ ઘટનાએ પંજાબની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયા પોસ્ટના આધારે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.





















