શોધખોળ કરો
કારગિલ વિજય દિવસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે સમર સ્મારક પર આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- શહીદોથી હંમેશા પ્રેરણા મળશે
આજે કારગિલ દિવસના 21 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ દિવસે દેશ શહીદોને નમન કરી રહ્યો છે. કારગિલ યુદ્ધમાં શહીદ જવાનોના સન્માનમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસઉજવવામાં આવે છે.

નવી દિલ્હી : રક્ષામંત્રી રાજનાથ સિંહએ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર દેશની જીતના 21 વર્ષ પૂરા થવાના અવસર પર રવિવારે રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રી સમર સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષામંત્રીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “હું કારગિલ વિજય દિવસના અવસર પર તમામ ભારતીય નાગરિકોને શુભેચ્છા પાઠવું છું. જે જવાનોના બલિદાનથી આપણે કારગિલ યુદ્ધ જીત્યું હતું, તે સશસ્ત્ર દળો માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત રહેશે. ” રાજનાથ સિંહ સિવાય રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાઈક, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નજરલ બિપિન રાવત, સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે, વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા અને નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહએ રાષ્ટ્રીય સમર સ્મારકમાં અમર જવાન જ્યોતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, 1999માં કારિગલ યુદ્ધ લગભગ 60 દિવસ સુધી ચાલ્યું હતું અને 26 જુલાઈને તેનો અંત આવ્યો હતો. ભારતે પાકિસ્તાન પર વિજય મેળવ્યો હતો. ભારતીય સેનાએ કારગિલ યુદ્ધ દરમિયાન ચલાવેલા ‘ઓપરેશન વિજય’ને સફળતાપૂર્વક અંજામ આપ્યું હતું. કારગિલ યુદ્ધમાં શહીદ જવાનોના સન્માનમાં આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરતા લખ્યું હતું કે, 'કારગિલ વિજયની 21મી વર્ષગાંઠ નિમિત્તે હું ભારતીય સશસ્ત્ર દળોના એ બહાદુર સૈનિકોને સલામ કરવા ઈચ્છું છું જેમણે વર્તમાન ઈતિહાસમાં વિશ્વની સૌથી પડકારજનક સ્થિતિમાં દુશ્મનોનો સામનો કર્યો.'
વધુ વાંચો





















