Karnataka Election Result: NCP ના આ દિગ્ગજ નેતાએ કર્ણાટક ચૂંટણીના પરિણામ બાદ 2024ને લઈ આપ્યા આ સંકેત
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના મહારાષ્ટ્રના વડા જયંત પાટીલે રવિવારે કહ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શરમજનક હાર મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA) માટે ઉત્સાહવર્ધક છે.
Maharashtra NCP Chief: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના મહારાષ્ટ્રના વડા જયંત પાટીલે રવિવારે કહ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શરમજનક હાર મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA) માટે ઉત્સાહવર્ધક છે. પાટીલે કહ્યું કે MVA નાના પક્ષોને સાથે લેશે અને 2024ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રમાં સત્તાધારી પક્ષને સંયુક્ત રીતે પડકારશે.
એનસીપીના વડા શરદ પવારના નિવાસસ્થાને એમવીએની બેઠકમાં હાજરી આપ્યા પછી પાટીલે જણાવ્યું હતું કે ગઠબંધન (એમવીએ) આગામી વર્ષના અંતમાં થનારી લોકસભા ચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા તૈયાર કરશે. MVAમાં શિવસેના (ઉદ્ધવ જૂથ), કોંગ્રેસ અને NCPનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે અને નાના પટોલે હાજર રહ્યા હતા
શિવસેના (ઉદ્ધવ જૂથ) ઉદ્ધવ ઠાકરે અને રાજ્ય કોંગ્રેસના વડા નાના પટોલે સહિત અન્ય MVA નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. જયંત પાટીલે કહ્યું, "કર્ણાટકની જેમ, મને ખાતરી છે કે MVA મહારાષ્ટ્રમાં પણ લોકોનો વિશ્વાસ જીતશે અને વધુ જોરશોરથી કામ કરશે."
નાના પક્ષો સાથે વાટાઘાટો કરવાનો નિર્ણય
જયંત પાટીલે કહ્યું કે MVA નેતાઓએ અન્ય નાના પક્ષો સાથે વાટાઘાટો કરવાનું નક્કી કર્યું છે અને તેઓ 2024માં વર્તમાન શાસન સામે ટક્કર આપવાની આશા રાખે છે. પાટીલે કહ્યું, તમામ ત્રણેય MVA પક્ષો મળશે અને લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ પહેલા બેઠક વહેંચણીની ફોર્મ્યુલા પર કામ કરશે.
કર્ણાટકમાં શપથ ગ્રહણની તારીખ આવી સામે
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ દરેકના મનમાં એક જ સવાલ સળગી રહ્યો છે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે? કોંગ્રેસની જંગી જીતે નેતાઓમાં ઉત્સાહ ભરવાનું કામ કર્યું છે, પરંતુ સત્તા કોના હાથમાં રહેશે તે હજુ નક્કી થયું નથી. આ બધાની વચ્ચે સૂત્રોના હવાલાથી સમાચાર છે કે પાર્ટીએ શપથગ્રહણનો દિવસ અને તારીખ નક્કી કરી લીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે (18 મે) નક્કી કરવામાં આવ્યો છે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામેલ થશે. આ સાથે પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓની સાથે સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે. આ બધું નક્કી થયા બાદ પાર્ટી સમક્ષ સૌથી મોટો મુદ્દો એ છે કે મુખ્યમંત્રી કોણ બનશે?