Karnataka : BJP સાંસદની ધમકી બાદ બસ સ્ટોપ પર મસ્જિદ જેવા 2 ગુંબજ તોડી પડાયા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેશનલ હાઈવે-766ના કેરળ બોર્ડર-કોલેગાલા સેક્શન પર સ્થિત બસ સ્ટોપ પર હવે માત્ર એક જ ગુંબજ નજરે પડે છે. જેને લાલ રંગથી રંગવામાં આવ્યો છે.
Karnataka Bus Stop: કર્ણાટકના મૈસુરમાં બસ સ્ટોપની એક તસવીર થોડાદિવસ પહેલા ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. બસ સ્ટોપ પર ત્રણ ગુંબજ બાંધવામાં આવ્યા હતા જે કથિત રીતે મસ્જિદ જેવા દેખાતા હતા. જોકે બીજેપી સાંસદની કથિત ધમકી બાદ હવે બસ સ્ટેન્ડનું નવું સ્વરૂપ સામે આવ્યું છે. ભાજપના સાંસદે કથિત રીતે બસ સ્ટોપ તોડી પાડવાની ધમકી આપી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેશનલ હાઈવે-766ના કેરળ બોર્ડર-કોલેગાલા સેક્શન પર સ્થિત બસ સ્ટોપ પર હવે માત્ર એક જ ગુંબજ નજરે પડે છે. જેને લાલ રંગથી રંગવામાં આવ્યો છે. અગાઉ જે ગુંબજ હતા તે હવે ગાયબ છે. બીજેપી સાંસદ પ્રતાપ સિમ્હાએ કહ્યું હતું કે તેમણે એન્જિનિયરોને મસ્જિદ જેવા સ્ટ્રક્ચરને તોડી પાડવા કહ્યું હતું. જે તેમના જ પક્ષના એક ધારાસભ્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું.
"હું JCB લઈ જઈશ અને તોડી પાડીશ"
સાંસદે કહ્યું હતું કે, મેં તેને સોશિયલ મીડિયા પર જોયું હતું. બસ સ્ટેન્ડમાં ત્રણ ગુંબજ છે, વચ્ચે આવેલો એક ગુંબજ મોટો અને તેની બાજુમાં આવેલા બાકીના બંને ગુંબજ નાના છે. આવુ તો મસ્જિદમાં હોય છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, મૈસૂરના મોટાભાગના વિસ્તારોમાં આવા ગુંબજ જેવા બાંધકામો બનાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેમણે ધમકી આપી હતી કે, મેં એન્જિનિયરોને ત્રણ-ચાર દિવસમાં આ સ્ટ્રક્ચર તોડી પાડવા કહ્યું છે. જો તેઓ તેમ નહીં કરે તો હું JCB લઈને તેને તોડી પાડીશ.
ભાજપના જ ધારાસભ્યએ બનાવેલુ આ બસ સ્ટેન્ડ
વિપક્ષ સહિત ઘણા લોકોએ ભાજપના સાંસદના આ નિવેદનને વિભાજનકારી ગણાવ્યું હતું. પરંતુ આ બસ સ્ટોપનું નિર્માણ સ્થાનિક બીજેપી ધારાસભ્ય રામ દાસે જ કરાવ્યું હતું. પહેલા તો રામ દાસે પક્ષના સાથીદારની ટિપ્પણીને નકારી હતી. તેમણે કહ્યું હતું કે, બસ શેલ્ટરની ડિઝાઇન મૈસૂર પેલેસથી પ્રેરિત હતી. જો કે, બાદમાં રામ દાસે સ્થાનિક લોકોને સંબોધીને લખેલા પત્રમાં માફી માંગી હતી અને કહ્યું હતું કે, તેમણે મૈસૂરના વારસાને ધ્યાનમાં રાખીને બસ સ્ટોપની ડિઝાઈન તૈયાર કરાવરાવી હતી.
ધારાસભ્યએ માફી માંગી
ધારાસભ્યએ કહ્યું હતું કે, વૈચારિક મતભેદ થવા કારણે હું બંને ગુંબજને હટાવી રહ્યો છું. જો કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું. જ્યારે રવિવારે (27 નવેમ્બર) સવારે બીજેપી સાંસદ સિમ્હાએ બસ શેલ્ટરમાં કરવામાં આવેલા ફેરફારોને લઈને જાણકારી આપી હતી. તેમણે ભાજપના ધારાસભ્ય અને જિલ્લા વહીવટીતંત્રનો પણ આભાર માન્યો હતો.
NHAIએ નોટિસ આપી હતી
નોંધનીય છે કે, અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ મૈસુર સિટી કોર્પોરેશન અને કર્ણાટક રૂરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ (KRIDL)ને એમપી સિંહાના ટ્વીટને ધ્યાનમાં રાખીને બસ શેલ્ટર સ્ટોપને દૂર કરવા માટે નોટિસ પાઠવી હતી. NHAIએ કહ્યું હતું કે, આ માળખું વિવાદાસ્પદ પ્રકારના મુદ્દાઓ મેળવવા માટે બનાવવામાં આવ્યું હતું.