ટ્રેન દુર્ઘટનાને રોકશે રેલવેનું 'કવચ': રેલવે મંત્રીએ કર્યું ટેસ્ટિંગ, જાણો કઈ રીતે કામ કરે છે 'કવચ'
ભારતીય રેલવેએ 'કવચ' નામની એક નવી સુરક્ષા સિસ્ટમનું ટેસ્ટિંગ કર્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ સિસ્ટમનું ટેસ્ટિંગ કરવા માટે ખુદ પોતે ટ્રેનના એન્જીનમાં સવાર થયા હતા.
Kavach Testing: ભારતીય રેલવેએ 'કવચ' નામની એક નવી સુરક્ષા સિસ્ટમનું ટેસ્ટિંગ કર્યું છે. આ એક એવી સિસ્ટમ છે જેનાથી ટ્રેન દુર્ઘટનાઓને રોકી શકાશે. કવચ સુરક્ષા સિસ્ટમ એવી રીતે તૈયાર કરાઈ છે કે, જો એક લોકો એન્જીન સામે બીજું લોકો એન્જીન આવી જાય તો જ્યારે એન્જીન 380 મીટર દુર હોય ત્યારે આ કવચ સિસ્ટમ એન્જીનને બંદ કરી દે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ સિસ્ટમનું ટેસ્ટિંગ કરવા માટે ખુદ પોતે ટ્રેનના એન્જીનમાં સવાર થયા હતા. ટેસ્ટિંગ સમયે સામેથી એક એન્જીન આવ્યું અને કવચ સિસ્ટમે તેને થંભાવી દીધું હતું. રેલવે મંત્રીએ આ ટેસ્ટિંગનો એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.
ટ્રેનના રસ્તામાં જ્યારે કોઈ ફાટક આવે ત્યારે ડ્રાઈવર વગર આપોઆપ કવચ સિસ્ટમ સીટી વગાડવાનું શરુ કરી દે છે. લૂપ-લાઈન ક્રોસિંગને પણ ટેસ્ટ કરવામાં આવ્યું જેમાં લૂપ-લાઈનને પાર કરતી વખતે કવચ સિસ્ટમ આપોઆપ એન્જીનની સ્પીડ ઘટાડીને 30 કિમી પ્રતિ કલાકની કરી દે છે. SPAD ટેસ્ટમાં જોવા મળ્યું કે લાલ સિગ્નલ સામે આવતાં કવચ સિસ્ટમ એન્જીનને આગળ નથી વધવા દેતું. આ ટેસ્ટિંગમાં રિયર એન્ડ ટક્કર ટેસ્ટ પણ સફળ રહ્યો હતો જેમાં કવચે પોતાની સામે લોકો એન્જીન આવતાં 380 મીટર પહેલાં જ એન્જીન બંધ કર્યું હતું.
શું છે કવચઃ
કવચ એ કોલિજન ડિવાઈસ નેટવર્ક છે જે ટ્રેન દુર્ઘટનાઓ રોકવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. દુર્ઘટના થવાની આશંકા દેખાતાં જ આ કવચ સિસ્ટમ પોતાની જાતે ટ્રેનને બ્રેક લગાવી દે છે. આ સાથે ટ્રેન ઓવર સ્પિડ થતાં જ આ સિસ્ટમ બ્રેક મારે છે. સામે ફાટક આવે ત્યારે જાતે જ હોર્ન પણ વગાડે છે. ઝીરો એક્સિડેન્ટના લક્ષ્ય સાથે રેલવેની મદદ માટે સ્વેદશી રુપથી વિકસીત સ્વયંચાલિત ટ્રેન સુરક્ષા (ATP) સિસ્ટમનું નિર્માણ કરવામાં આવ્યું છે. કવચને એ રીતે બનાવાયું છે કે, નક્કી કરેલા અંતરમાં કોઈ બીજી ટ્રેન આવે તો તે ટ્રેનનું એન્જીન ઓટોમેટિક બંધ કરી શકે છે.
Rear-end collision testing is successful.
Kavach automatically stopped the Loco before 380m of other Loco at the front.#BharatKaKavach pic.twitter.com/GNL7DJZL9F— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 4, 2022
આ સિસ્ટમ વિશે વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, આ ડિજીટલ સિસ્ટમ માનવીય ભુલોથી થતા અકસ્માત રોકવા માટે બનાવવામાં આવ્યું છે. જેવી કે લાલ સિગ્નલને નજરઅંદાજ કરવું કે અન્ય કોઈ ખરાબી આવે ત્યારે ટ્રેન પોતાની જાતે રોકાઈ જશે. અધિકારીઓએ જણાવ્યું કે, કવચના લાગવાથી સંચાલન ખર્ચ 50 લાખ રુપિયા પ્રતિ કિલોમીટર આવશે જ્યારે વૈશ્વિક સ્તર પર આનો ખર્ચ 2 કરોડ પ્રતિ કિલોમીટર છે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સનતનગર-શંકરપલ્લી માર્ગ ઉપર સિસ્ટમના ટેસ્ટિંગમાં ભાગ લેવા માટે સિકંદરાબાદ પહોંચ્યા હતા. અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે કવચ એસઆઈએલ-4 (સુરક્ષા માનક સ્તર ચાર) અનુસાર છે. જે કોઈ સિક્યોરીટી સિસ્ટમનું ઉચ્ચ સ્તર છે. વર્ષ 2022માં કેન્દ્રિય બજેટમાં આત્મનિર્ભર ભારતની પહેલ અંતર્ગત 2000 કિલોમીટર સુધી રેલવે નેટવર્કને કવચ હેઠળ લાવવાની યોજના છે. કવચ સિસ્ટમને દિલ્લી-મુંબઈ અને દિલ્લી હાવડા રેલ માર્ગ ઉપર લગાવવાની યોજના છે જેની કુલ લંબાઈ લગભગ 3000 કિલોમીટર છે.