Kerala High Court : "મહિલાના અર્ધનગ્ન શરીરને અશ્લિલતા માની ના શકાય"
ફાતિમાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે તેના સગીર બાળકોની સામે અર્ધ નગ્ન અવસ્થામાં ઉભી હતી અને તેણે તેના શરીર પર 'પેઈન્ટિંગ' કરવાની છૂટ આપી હતી.
Rehana Fatima Case : કેરળ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કેરળ હાઈકોર્ટે એક મહિલા અધિકાર કાર્યકર્તાને POCSO કાયદા સંબંધિત કેસમાંથી નિર્દોષ જાહેર કરતા કહ્યું હતું કે, અડધો અડધ વસ્તીને તેમના શરીર પર સ્વાયત્તતાનો અધિકાર નથી મળતો. તેઓ ઉત્પીડન, ભેદભાવ અને સજાનો સામનો કરવો પડે છે અને તેમના પોતાના શરીર અને જીવન વિશે નિર્ણય લેવા બદલ તેમનો બહિષ્કાર કરીને સમાજથી અલગ કરી દેવામાં આવે છે. મહિલા અધિકાર કાર્યકર્તા રેહાના ફાતિમાની ચુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
મહિલા અધિકાર કાર્યકર્તા રેહાના ફાતિમા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન (POCSO) એક્ટ, જુવેનાઈલ જસ્ટિસ અને ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી એક્ટ હેઠળ ટ્રાયલનો સામનો કરી રહી હતી. ફાતિમાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે તેના સગીર બાળકોની સામે અર્ધ નગ્ન અવસ્થામાં ઉભી હતી અને તેણે તેના શરીર પર 'પેઈન્ટિંગ' કરવાની છૂટ આપી હતી.
ફાતિમાને નિર્દોષ જાહેર કરતી વખતે જસ્ટિસ કૌસર ઈદાપ્પગથે કહ્યું હતું કે, 33 વર્ષીય કાર્યકર્તા પર લાગેલા આરોપોના આધારે કોઈ પણ વ્યક્તિ માટે એ નક્કી કરવું શક્ય નથી કે, તેના બાળકોનો ઉપયોગ કોઈપણ રીતે જાતીય સંતુષ્ટિ માટે કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, તેણીએ ફક્ત તેના બાળકો દ્વારા 'પેઈન્ટિંગ' માટે તેના શરીરને 'કેનવાસ' તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, મહિલાઓનો તેમના શરીર વિશે સ્વાયત્ત નિર્ણય લેવાનો અધિકાર એ તેમના સમાનતા અને ગોપનીયતાના મૂળભૂત અધિકારના મૂળમાં છે. તે બંધારણના અનુચ્છેદ 21માં વ્યક્તિગત સ્વતંત્રતા હેઠળ પણ આવે છે.
પુરુષોના નગ્ન ઉપલા ભાગને અશ્લીલ ના માની શકાય
ફાતિમાએ નીચલી અદાલત દ્વારા નિર્દોષ જાહેર કરાયેલી અરજીને ફગાવી દેવાને હાઈકોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટમાં પોતાની અપીલમાં ફાતિમાએ કહ્યું હતું કે 'બોડી પેઈન્ટિંગ' એ સમાજના એ દ્રષ્ટિક્કોણ વિરુદ્ધ એક રાજકીય પગલું હતું જેમાં મહિલાઓના શરીરનો ઉપરનો નગ્ન ભાગ કોઈ પણ રીતે જાતીય સંતુષ્ટિ અથવા જાતીય કૃત્યો સાથે સંકળાયેલો છે જ્યારે પુરુષોનો શરીરના ઉપરના નગ્ન ભાગને આ સ્વરૂપમાં જોવામાં આવતો નથી.
ફાતિમાની દલીલ સાથે સંમત થતા જસ્ટિસ એડપ્પગથે કહ્યું હતું કે, બાળકો દ્વારા બાળકોના શરીરના ઉપરના ભાગને આર્ટ પ્રોજેક્ટના રૂપમાં દોરવાને કોઈ પણ પ્રકારની વાસ્તવિક અથવા જાતીય કૃત્ય તરીકે જોઈ શકાય નહીં અને ના તો એમ કહી શકાય કે આ કાર્ય (શરીર પેઇન્ટિંગ) જાતીય સંતુષ્ટિ માટે અથવા યૌન સંતુષ્ટિના હેતુથી કરવામાં આવ્યું છે.
નિર્વસ્ત્ર ઉપરના ભાગ પર પેઈન્ટિંગને યૌન સંતોષ સાથે જોડવું અયોગ્ય
ન્યાયાધીશે કહ્યું હતું કે, આવી "નિર્દોષ કલાત્મક અભિવ્યક્તિ" ને કોઈપણ સ્વરૂપમાં જાતીય પ્રવૃત્તિ સાથે જોડવી "ક્રૂર" છે. કોર્ટે એમ પણ ઉમેર્યું હતું કે, 'બાળકોનો પોર્નોગ્રાફી માટે ઉપયોગ કરવામાં આવ્યો છે તે સાબિત કરવાનો કોઈ આધાર નથી. વીડિયોમાં જાતીય સંતુષ્ટિનો કોઈ સંકેત નથી. સ્ત્રી હોય કે પુરૂષ કોઈપણના નગ્ન શરીરના ઉપરના ભાગનું નિરૂપણ જાતીય સંતોષ સાથે સંકળાયેલું જોઈ શકાતું નહીં.
ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે, વિડિયોમાં ફાતિમાએ તેના શરીરના ઉપરના ભાગમાં નગ્ન બતાવ્યું હતું, તેથી તે અશ્લીલ અને અભદ્ર હતું. જોકે, આ દલીલને ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે 'નગ્નતા અને અશ્લીલતા હંમેશા સમાનાર્થી નથી હોતી.'