ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
પાકની લણણી બાદ ખેડૂતોને સરળતાથી લોન મળી રહે તે માટે કેન્દ્ર સરકારે મોટી યોજનાની જાહેરાત કરી છે
પાકની લણણી બાદ ખેડૂતોને સરળતાથી લોન મળી રહે તે માટે કેન્દ્ર સરકારે મોટી યોજનાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ 1,000 કરોડ રૂપિયાની લોન ગેરન્ટી યોજના શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી (WDRA) દ્વારા નોંધાયેલ ઈલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ્સ (e-NWR) સામે ખેડૂતોને લોન આપવા માટે બેન્કોની અરૂચિને દૂર કરવાનો છે.
યોજનાની શરૂઆત કરતા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, અમે બેન્કોને લણણી પછીની લોન આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે 1,000 કરોડ રૂપિયાનું ફંડ બનાવ્યું છે. આનાથી ખેડૂતોની ધિરાણની પહોંચ સરળ બનશે અને તેમને વધુ નાણાકીય સહાય મળશે.
લણણી પછીની લોનની વર્તમાન સ્થિતિ
ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ કહ્યું કે હાલમાં કૃષિ લોનનો મોટો હિસ્સો પાક ઉત્પાદન માટે જાય છે, જ્યારે લણણી પછીની કામગીરી માટે લોન માત્ર 40,000 કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું કે e-NWR હેઠળ લોન માત્ર 4,000 કરોડ રૂપિયા સુધી મર્યાદિત છે. પરંતુ આગામી 10 વર્ષમાં તેને વધારીને 5.5 લાખ કરોડ રૂપિયા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ધ્યેય ફક્ત બેન્કિંગ અને વેરહાઉસિંગ ક્ષેત્રોના સંકલિત પ્રયાસો દ્વારા જ શક્ય છે. સેક્રેટરીએ ખેડૂતોમાં બાંયધરીકૃત ધિરાણ અંગે જાગૃતિ વધારવા, ઈ-કિસાન ઉપજ નિધિ ઓનલાઈન પ્લેટફોર્મને સુવ્યવસ્થિત કરવા, ડિપોઝિટરી ચાર્જિસની સમીક્ષા કરવા અને વેરહાઉસ રજીસ્ટ્રેશનની સંખ્યા 5,800થી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમમાં અગ્રણી વ્યક્તિઓની હાજરી
ખાદ્ય અને ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી બી.એલ. વર્મા, નિમુબેન જયંતિભાઈ બાંભણીયા અને ડબલ્યુડીઆરએના ચેરપર્સન અનિતા પ્રવીણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યોજનાથી ખેડૂતોને તેમના પાકને સ્ટોરેજમાં રાખ્યા બાદ લોન મેળવવાની સુવિધા મળશે. આનાથી તેમની આર્થિક સ્થિતિ તો સુધરશે જ પરંતુ ગ્રામીણ અર્થતંત્ર પણ મજબૂત બનશે.