(Source: ECI/ABP News/ABP Majha)
Kiran Patel: જમ્મુ-કાશ્મીરમાં PMO ના એડિશનલ ડાયરેક્ટરની ઓળખ આપી Z પ્લસ સિક્યોરિટી સાથે ફરતો રહ્યો આ ગુજરાતી, આ રીતે ફૂટ્યો ભાંડો
જમ્મુ-કાશ્મીર પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમયસર ઠગને શોધી ન શકવાને કારણે જમ્મુ-કાશ્મીર પોલીસના બે અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.
Jammu & Kashmir News: જમ્મુ-કાશ્મીરમાંથી પીએમઓના એડિશનલ ડાયરેકટરની ખોટી ઓળખ આપી ઝેડ પ્લસ સિક્યુરિટીમાં ફરતા રહેલા ગુજરાતી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ઠગની ઓળખ ગુજરાતના રહેવાસી કિરણ પટેલ તરીકે થઈ છે. તેની 3 માર્ચ, 2023ના રોજ શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મીડિયામાં આ જાણકારી હવે આવી છે.
કોર્ટે મોકલ્યો કસ્ટડીમાં
16 માર્ચે તેને જમ્મુ-કાશ્મીર પોલીસે શ્રીનગર કોર્ટમાં રજૂ કર્યો હતો. જે બાદ કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. એક ચેનલના રિપોર્ટ પ્રમાણે, કિરણ પટેલ ઓક્ટોબર 2022થી કાશ્મીર ઘાટીની મુલાકાત લેતો હતો. ધરપકડ પહેલા તે એલઓસી નજીક ઉરી કમાન પોસ્ટ થઈને શ્રીનગરના લાલ ચોક સુધી ગયો હતો. તે જમ્મુ-કાશ્મીરમાં 5 સ્ટાર હોટલમાં રોકાતો હતો. ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે બુલેટપ્રૂફ ગાડીમાં ફકરતો હતો.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિરણ પટેલ પોતાને વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડિરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે ઓળખાવતો હતો. તેમણે ફેબ્રુઆરી 2023માં જમ્મુ-કાશ્મીરની મુલાકાત પણ લીધી હતી. તેમની મુલાકાતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેને પોલીસ અને અર્ધલશ્કરી દળોના રક્ષણ હેઠળ કાશ્મીરમાં વિવિધ સ્થળોએ જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં તે બડગામના દૂધપથરી ખાતે બરફ પર ચાલતા જોઈ શકાય છે. આ સિવાય તે શ્રીનગર ક્લોક ટાવર અને ઉરીમાં એલઓસી પાસે સુરક્ષા દળો સાથે પોઝ આપતાં પણ જોઈ શકાય છે.
એવું જાણવા મળ્યું છે કે કિરણ પટેલે ઉચ્ચ સ્તરીય સરકારી સુવિધાઓનો લાભ લઈને જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોનો માત્ર પ્રવાસ જ કર્યો ન હતો, પરંતુ બડગામમાં અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. શંકા બાદ ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસને તેના વિશે એલર્ટ કરી દીધું. જે બાદ તેની શ્રીનગરની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીર પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમયસર ઠગને શોધી ન શકવાને કારણે જમ્મુ-કાશ્મીર પોલીસના બે અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે. ગુજરાત પોલીસની ટીમ પણ તપાસમાં સામેલ હોવાનું કહેવાય છે.
ટ્વિટર બાયોમાં શું લખ્યું છે
કિરણ પટેલ નામના વ્યક્તિના ટ્વિટર બાયોમાં તેને પીએચડી ડિગ્રી ધારક તરીકે દર્શાવવામાં આવ્યો છે. ટ્વિટરની ટાઈમલાઈન પર નજર કરીએ તો તેણે જમ્મુ-કાશ્મીરના પ્રવાસને લઈને ઘણા ફોટો-વિડિયો પોસ્ટ કર્યા છે. એક વીડિયોમાં, તે સુરક્ષા દળો સાથે જમ્મુ-કાશ્મીરની શેરીઓમાં ફરતો જોઈ શકાય છે. તેના પિતાનું નામ જગદીશ પટેલ છે. આ વ્યક્તિના ટ્વિટર હેન્ડલ વેરિફાઈડ સિવાય તેને ઘણી મોટી હસ્તીઓ પણ ફોલો કરે છે. પોલીસ ઉચ્ચ સ્તરે નકલી સંસાધનોનો ઉપયોગ કરીને શ્રીનગર અને કાશ્મીર ખીણના અન્ય ભાગોમાં સુરક્ષા દળો સાથે ફરવાની ઘટનાની તપાસ કરી રહી છે.