(Source: ECI/ABP News/ABP Majha)
બાળકોની રસીને ક્યાં સુધીમાં મળી શકે છે મંજૂરી ? જાણો એઇમ્સના ડો. ગુલેરિયાએ શું કહ્યું......
એઈમ્સ પટના અને એઈમ્સ દિલ્હીમાં બે થી 12 વર્ષ સુધીના બાળકો માટે રસીની ટ્રાયલ ચાલી રહી છે. ડીજીસીઆઈએ 12 મેના રોજ બાળકો પર બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી હતી.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર (Coronavirus Second Wave) ધીમી પડી છે અને અંત તરફ જઈ રહી છે. આ દરમિયાન ત્રીજી લહેર પણ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાકા રિસર્ચ અને જાણકાર ત્રીજી લહેર બાળકોને પ્રભાવિત કરે તેવી વધારે સંભાવના હોવાનું કહી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે બાળકોની વેક્સિનને લઈ મોટી જાણકારી સામે આવી છે.
ક્યાં સુધીમાં આવી શકે છે બાળકોની રસી
દિલ્હી એઈમ્સ (AIIMS) હોસ્પિટલના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ભારત બાયોટેકની કોવેક્સિનને સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટં મંજૂરી આપવામાં આવી શકે છે. ડો. ગુલેરિયાએ કહ્યું, બાળકો પર કોવેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ બાદ સપ્ટેમ્બર સુધીમાં ડેટા ઉપલબ્ધ થઈ જશે. તે મહિને બાળકો માટે કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી શકે છે.
ક્યાં ચાલી રહી છે ટ્રાયલ
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, જો ફાઇઝર અને બાયોએનટેકને ભારતમાં મંજૂરી મળશે તો તે પણ બાળકો માટે વેક્સિનનો એક વિકલ્પ હોઇ શકે છે. એઈમ્સ પટના અને એઈમ્સ દિલ્હીમાં બે થી 12 વર્ષ સુધીના બાળકો માટે રસીની ટ્રાયલ ચાલી રહી છે. ડીજીસીઆઈએ 12 મેના રોજ બાળકો પર બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી હતી.
જોકે તેમણે ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. તેની સાથે ડો.ગુલેરિયાએ બાળકોની સ્કૂલો ખોલવા પર વિચાર કરવા અંગે કહ્યું શિક્ષણ સંસ્થાઓ કોરોના સુપર સ્પ્રેડર ન બની જાય તેનું ધ્યાન રાખવું પડશે.
દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર
કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.
દેશભરમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધારે લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી ત્રણ લાખ 90 હજારથી વધારે લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર વિતેલા 24 કલાકમાં 50848 નવા કોરોના કેસ આવ્યા અને 1358 સંક્રમિતોના મોત થયા છે. વિતેલા દિવસે 68817 લોકો કરોનાથી ઠીક પણ થયા છે એટલે કે એક જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 19327 ઘટી ગઈ છે. આ પહેલા સોમવારે 42640 નવા કેસ આવ્યા હતા.