લદ્દાખ હિંસા પર ગૃહ મંત્રાલયનો મોટો ખુલાસો: સોનમ વાંગચુકના ભડકાઉ નિવેદનોથી ટોળા ઉશ્કેરાયા, પરિસ્થિતિ કાબૂ બહાર જતા ગોળીબાર કરવો પડ્યો
લેહમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિની માંગણી સાથે થયેલા હિંસક પ્રદર્શનો પર ગૃહ મંત્રાલયે આ ઘટનાને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને પોલીસે સ્વ-બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હોવાનું જણાવ્યું.

Leh violence news: લદ્દાખમાં પૂર્ણ રાજ્યના દરજ્જા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશની માંગ સાથે બુધવારે (24 સપ્ટેમ્બર, 2025) હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા. વિરોધ કરી રહેલા ટોળાએ વાહનોને આગ ચાંપી અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડ્યું. આ સમગ્ર ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે, જેમાં આ હિંસાને રાજકીય રીતે પ્રેરિત ગણાવી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના ભડકાઉ નિવેદનોને કારણે ટોળા ઉશ્કેરાયા અને સ્થિતિ બેકાબૂ બની. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે સ્વ-બચાવમાં ગોળીબાર કરવાની ફરજ પડી.
હિંસાનો ઘટનાક્રમ અને સરકારી સ્પષ્ટતા
ગૃહ મંત્રાલયના નિવેદન મુજબ, સવારે લગભગ 11:30 વાગ્યે ભૂખ હડતાળના સ્થળેથી એક ટોળું એક રાજકીય પક્ષની ઓફિસ અને લેહ સ્થિત CECની સરકારી ઓફિસ પર પહોંચ્યું અને તેને આગ ચાંપી દીધી. ટોળાએ સુરક્ષા દળો પર પણ હુમલો કર્યો અને પોલીસ વાહનને સળગાવી દીધું. આ હિંસામાં 30 થી વધુ પોલીસ અને CRPF જવાનો ઘાયલ થયા. જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર નીકળી ગઈ, ત્યારે પોલીસે પોતાનો બચાવ કરવા માટે ગોળીબાર કર્યો, જેના પરિણામે કેટલાક લોકોના જીવ ગયા. સાંજે 4 વાગ્યા સુધીમાં પરિસ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.
વાટાઘાટો ચાલુ હોવા છતાં હિંસા કેમ?
સરકારે સ્પષ્ટતા કરી છે કે આ મુદ્દાઓ પર લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે હાઈ પાવર્ડ કમિટી (HPC) અને પેટા સમિતિઓ દ્વારા અનેક તબક્કાની વાટાઘાટો ચાલુ છે. આ વાતચીત પ્રક્રિયાના સકારાત્મક પરિણામો પણ મળ્યા છે, જેમ કે લદ્દાખમાં અનુસૂચિત જનજાતિ સમુદાય માટે અનામત 45% થી વધારીને 84% કરવી, કાઉન્સિલમાં મહિલાઓ માટે 1/3 અનામત આપવી, અને ભોટી તથા પુર્ગી ભાષાઓને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવો. આ ઉપરાંત, 1,800 થી વધુ પદો માટે સરકારી ભરતી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે સોનમ વાંગચુક પર સીધો આરોપ લગાવતા કહ્યું છે કે, 10 સપ્ટેમ્બર, 2025 થી ભૂખ હડતાળ પર હોવા છતાં, તેમણે લોકોને ઉશ્કેરવા માટે 'અરબ સ્પ્રિંગ' જેવા ઉદાહરણો આપ્યા. હિંસા ફાટી નીકળ્યા બાદ તેમણે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી, જે આ ઘટનાઓ સાથે તેમના જોડાણ પર પ્રશ્નો ઊભા કરે છે. સરકારે પુનરોચ્ચાર કર્યો છે કે લદ્દાખના લોકોની આકાંક્ષાઓને અનુરૂપ પૂરતા બંધારણીય રક્ષણ પૂરા પાડવા માટે તે પ્રતિબદ્ધ છે.





















